Western Times News

Gujarati News

રાજ્યમાં ૨૦૦થી વધુ ડેમ-જળાશયોમાં અડધાથી ઓછું જળસ્તર

રાજ્યમાં સામાન્ય કરતા ૪૫ ટકા વરસાદની ઘટ-સ્થિતિને જાેતાં સરકારે ૫ લાખ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાનો ર્નિણય કર્યો

ગાંધીનગર,  અપૂરતા વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. હાલ આ ડેમો પોતાની કુલ ક્ષમતાના ૪૭.૫૪% જ ભરેલા છે, તેમ બુધવારે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે જણાવ્યું.

રાજ્યના ૨૦૦થી વધુ ડેમ અને જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા કરતાં અડધાથી પણ ઓછું જળસ્તર હોવા છતાં રાજ્ય સરકારે ૫ લાખ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાનો ર્નિણય કર્યો છે, જેથી ઊભા પાકને નુકસાન ના થાય.

ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે, ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. સામાન્ય કરતાં ૪૫ ટકા વરસાદની ઘટ હાલ રાજ્યમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ૧ જૂનથી ૧૦ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં ૪૫૮.૮ mm વરસાદ નોંધાય છે પરંતુ રાજ્યમાં ૨૫૨.૭ mm જ વરસાદ વરસ્યો છે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું.

૨૦૭માંથી માત્ર પાંચ ડેમ કાંઠા સુધી ભરાયેલા છે. આ પાંચમાંથી ચાર ડેમ સૌરાષ્ટ્રમાં આવેલા છે અને એક દક્ષિણ ગુજરાતમાં છે, તેમ બુધવારે રાજ્ય સરકાર તરફથી જણાવાયું છે.

ખરીફ ઋતુમાં ૭૫,૭૩,૧૦૬ હેક્ટર જમીન પર વાવણી થઈ ચૂકી છે ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે, ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલા પીવાના પાણીનો સંગ્રહ કરીને ૫ લાખ હેક્ટર જમીનમાં રહેલા ઊભા પાક માટે ડેમમાંથી પાણી આપવામાં આવશે. મંગળવારે રાજ્ય સરકાર તરફથી બહાર પાડેલા નિવેદનમાં આ વાત જણાવાઈ હતી.

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી અરવલ્લી અને ગાંધીનગરમાં આ સીઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ બંને જિલ્લાઓમાં વરસાદની ઘટ સૌથી વધુ છે. જ્યારે બાકીના ૩૧ જિલ્લાઓમાં પણ સામાન્ય ઘટ નોંધાઈ છે, તેવો હવામાન ખાતાના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા ઝોન મુજબના ડેટાની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના ૩૬.૩૯%, પૂર્વ-મધ્ય વિસ્તારોમાં ૩૪.૭૨%, સૌરાષ્ટ્રમાં ૩૩.૮%, કચ્છમાં ૩૧.૭૪% અને ઉત્તર ભાગમાં ૩૧.૨% વરસાદ પડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.