રાજ્યમાં ૨૪મી સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નહીં
ગાંધીનગર: રાજ્યમાં ગત સપ્તાહે ભારે વરસાદ બાદ આ સપ્તાહમાં વરસાદની ગતિ ધીમી પડી છે. રાજ્યનો આ સિઝનનો સરેરાશ વરસાદ ૩૬.૨૦ ટકા જેટલો થયો છે. તો ખરીફ પાકનું ૬૪.૨૮ લાખ હેક્ટર વિસ્તારમાં છેલ્લા ૩ વર્ષની સરેરાશ સામે આ વર્ષે સરેરાશ ૭૫ ટકા વાવેતર થયું છે. રાજ્યના જળાશયોમાં સરેરાશ ૪૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. તો કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાથી ૨૪મી જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીં હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગાંધીનગરમાં વેધર વોચ ગ્રૂપનો વેબિનાર યોજાયો હતો. જેમાં રાજ્યમાં વાવેતર, વરસાદ અને જળ સંગ્રહ સહિત તકેદારીના પગલાંને લઇને બેઠક યોજાઈ હતી. રાહત કમિશનર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા વેબિનારમાં અપાયેલી માહિતી મુજબ રાજ્યમાં ૨૧મી જુલાઈ સુધીમાં ૩૦૦.૭૮ મીમી વરસાદ થયો છે.
જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૩૬.૨ ટકા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ જિલ્લાના કુલ ૩૮ તાલુકામાં સરેરાશ વરસાદ ૦.૯૪ મીમી નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા ૨૧થી ૨૩ જુલાઈ સુધીમાં વરસાદ થવાની રાજ્યમાં નહિવત શક્યતા અને ૨૪મીએ સામાન્ય વરસાદની આગાહી કરી હતી. ૨૫મીએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સિંચાઈ વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨,૭૦,૬૨૮ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહ શક્તિના ૪૮.૬૦ ટકા છે.