Western Times News

Gujarati News

રાજ્યમાં ૮૦ ટકા ઘરોમાં નલ સે જલ આપીએ છીએ: રૂપાણી

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૮ ૬૨ કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર, કચ્છ-ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા જસદણ-વિંછીયાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આ અવસરના સાક્ષી બન્યા હતા.

આ સુધારણા યોજનાઓ અન્વયે વિરમગામ, બાવળા અને સાણંદ તાલુકાના પ૪ ગામોને રૂ. રર.૯પ કરોડની સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ આધારિત સુધારણા યોજના, ઝીંઝુવાડિયા બ્રાંચ કેનાલ આધારિત રૂ. ૯.૧૮ કરોડની સુધારણા યોજનામાં વિરમગામ, માંડલ, દેત્રોજના ૪૪ ગામો તેમજ વહેલાલ બ્રાંચ કેનાલ આધારિત રૂ. ૧૩.૮૩ કરોડની સુધારણા યોજનામાં દસક્રોઇના ૩૦ ગામોને લાભ મળવાનો છે.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં ખાસ કરીને ૮૦ થી ૯૦ના દશકમાં પાણીની જે વિકટ સ્થિતી હતી તેની વરવી વાસ્તવિકતા વર્ણવતા કહ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર-ગુજરાતે પાણી માટે વલખાં માર્યા છે, બહુ સહન કર્યુ છે.

તેમણે ઉમેર્યુ કે, પાણી માટે રમખાણો થતાં, સૌરાષ્ટ્રમાં તો ટ્રેન દ્વારા પાણી પહોચાડવું પડતું અને ટેન્કર રાજમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો, અઠવાડિયે, પાંચ દિવસે લોકોને પાણી મળતું અને પાણીના અભાવે લોકો હિજરત કરી જતા. લોકોએ પાણી માટે ચિંતા જ ન કરી, ન બજેટ ફાળવ્યા કે ન આયોજનો કર્યા. તેમના સમયમાં તો ખાતમૂર્હત થયા પછી વરસો સુધી કામ જ ન થાય અને બજેટ ફાળવ્યું હોય તે બમણું-ચાર ગણું થઇ જાય તેવી સ્થિતી હતી.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીનો પદભાર સંભાળતા જ પાણી પુરવઠા માટેનું પાણીદાર આયોજન અને પાણીને વિકાસનો આધાર બનાવી અગ્રતા આપી, તેમ તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ હતું.  આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં નર્મદા, કડાણા, ઊકાઇ જેવી જળાશયો આધારિત ૭૦૦, ૯૦૦ કિલોમીટરની પાઇપલાઇનો નાંખીને છેવાડાના ગામોને પાણી પહોચાડયું છે.

પહેલાં વ્યક્તિદિઠ માત્ર ૪પ લીટર પાણી મળતું આપણે આજે ૧૦૦ લીટર આપીએ છીએ એમ તેમણે ઉમેર્યુ હતું. જે પાણી પુરવઠા બોર્ડ ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં ન ગણ્ય હતું તે જ પાણી પુરવઠા બોર્ડના સુદ્રઢ જળવ્યવસ્થાપન, વોટર સપ્લાય યોજનાઓ અને વોટરગ્રીડ જેવી સિદ્ધિઓના અભ્યાસ માટે આજે દેશના અન્ય રાજ્યોના ઇજનેરો-તજજ્ઞો આવે છે એવું વોટર મેનેજમેન્ટ આ સરકારે કર્યુ છે એમ પણ મુખ્યમંત્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ડંકીના કામો થતા અમે કરોડો રૂપિયાની વોટર સપ્લાય યોજનાઓ શરૂ કરી છે. માત્ર ત્રણ જ દિવસમાં ૨૨૭૬ કરોડ રૂપિયાના કામો વિવિધ પાણી પુરવઠા યોજનાઓના ખાતમૂર્હતના કર્યા છે.

આ જ પૂરવાર કરે છે કે અમે ભૂતકાળમાં કોંગ્રેસની જેમ ‘‘નો સોર્સ’’ કરીને બેસી રહેનારા લોકો નહિ પરંતુ જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે સરફેસ વોટર સોર્સ ઊભા કરી પશુધનની પણ પાણી માટે ગણતરી કરવાની સંવેદના સાથે આયોજનબદ્ધ આગળ વધ્યા છીએ. વિજય રૂપાણીએ કહ્યું કે, એક સમય હતો કે લોકો પાણીની તંગી વાળા ગામોમાં પોતાની દિકરી-દિકરાના લગ્ન કરવા રાજી ન હતા. આજે ફળિયામાં નળ પહોચાડી નલ સે જલમાં ૮૦ ટકા સિદ્ધિ ગુજરાતે મેળવી છે.

પહેલાં માત્ર ર૪ ટકા ઘરોમાં નળથી પાણી મળતું એવી ટિપ્પણી તેમણે કરી હતી. ગુજરાત ૧૦૦ ટકા નલ સે જલ નો લક્ષ્યાંક બે વર્ષ વહેલો એટલે કે ર૦રરમાં પુરો કરી દેશે એમ તેમણે ઉમેર્યુ હતું. આપણે ભાવિ પેઢીને સ્વસ્થ, તંદુરસ્ત અને જળ સમૃદ્ધિથી પાણીના દુકાળથી મુકત બનાવવી છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પાણીના સ્ત્રોત વધારવા, જળ સંગ્રહશકિત ક્ષમતા વધારવાના સફળ આયામોથી ગુજરાત વીજ સરપ્લસ જેમ વોટર સરપ્લસ સ્ટેટ બનાવવું છે. તેમણે ઉમેર્યુ કે, પાણીને વિકાસનો આધાર બનાવી આ સરકાર ખેતી, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય એમ સર્વાંગી વિકાસની પરાકાષ્ટા સર્જવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરયુકત ઉપયોગ-પાણી પારસમણિ સમજીને કરવાની અપીલ પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.