Western Times News

Gujarati News

રાજ્યમા મહિલાઓ પર સાયબર ક્રાઈમની ઘટનામાં ૧૫૦ ટકાનો વધારો

ગાંધીનગર: ગુજરાતમાં સિનિયર સિટીઝન અને મહિલાઓ સુરક્ષિત છે એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પરંતુ વિધાનસભાના સત્રમાં સરકાર દ્વારા કહેવાતી શાંતિ અને સલામતિ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૬૩૧૬ ઘટનાઓ અને સામૂહિક દુષ્કર્મની ૭૨ ઘટનાઓ બની છે. આ આંકડાઓ રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં વિધાનસભામાં રજુ કર્યાં હતાં. તે ઉપરાંત બળાત્કાર-સામૂહિક બળાત્કાર કેસના ૨૦૯ આરોપીઓને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. બીજી તરફ છેલ્લા બે વર્ષમાં જ મહિલાઓ પરના સાયબર ક્રાઇમની ઘટના ૧૫૦ ટકા જેટલી વધી ગઇ છે. આ સમયગાળામાં મહિલાઓ પર સાયબર ક્રાઇમ બદલ એકપણ વ્યક્તિ દોષિત પુરવાર થઇ નથી.

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં ૯૭૭ અને સુરત શહેરમાં ૭૫૩ દુષ્કર્મની ઘટના બની છે. સલામત કહેવાતા ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, સાથે સાથે સામૂહિક દુષ્કર્મના કેસો પણ વધી રહ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬માં સામૂહિક દુષ્કર્મના પાંચ કેસ હતા, જે ૨૦૧૯-૨૦માં વધીને ૨૦ થયા છે. ગુજરાતમાં સૌથી વધુ દુષ્કર્મના બનાવો અમદાવાદ શહેરમાં અને બીજા ક્રમે સુરત શહેરમાં બન્યા છે. ઓક્ટોબર ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૧૬ના અરસામાં અમદાવાદ શહેરમાં ૧૬૫ બળાત્કાર અને ૧ સામૂહિક બળાત્કારની ઘટના બની હતી, એ પછીના વર્ષોમાં દુષ્કર્મના ૧૮૮, ૨૦૨, ૨૨૬,૧૯૬ બનાવો બન્યા છે.
સુરતમાં ૨૦૧૫-૧૬માં ૧૧૭, ૨૦૧૬-૧૭માં ૧૩૬, ૨૦૧૭-૧૮માં ૧૬૩, ૨૦૧૮-૧૯માં ૨૦૯ અને ૨૦૧૯-૨૦માં ૧૨૮ કિસ્સા દુષ્કર્મના બન્યા છે.

ભાવનગર અને રાજકોટ શહેરના આંકડા પણ ચિંતાજનક છે. સુરત શહેરમાં સૌથી વધુ ૩૩ આરોપી પકડાયા નથી, અમદાવાદ શહેરમાં ૧૯, વડોદરા શહેરમાં ૧૦, જામનગર ૧૧, બનાસકાંઠામાં ૨૧, ભાવનગર ૧૨ અને સુરત ગ્રામ્યમાં ૨૦ આરોપી પકડવાના બાકી છે. દુષ્કર્મની ઘટનાઓ રોકવા માટે સરકાર પગલાં ભરી રહી છે તેમ છતાં આવા કેસ વધી રહ્યા છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ૯૪ ઘટના નોંધાઇ હતી. આ પૈકી ૫૯માં ચાર્જશીટ દાખલ થઇ હતી જ્યારે ૮૩ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ એકપણ વ્યક્તિ દોષિત પુરવાર થયા નહોતા. ૨૦૧૮માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ઘટનામાં લગભગ બે ગણો વધારો થયો હતો અને કુલ ૧૮૪ કેસ નોંધાયા હતા. આ પૈકી ૧૧૩ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી અને ૧૫૪ વ્યક્તિની ધરપકડ થઇ હતી. પરંતુ ૨૦૧૭ ની માફક ૨૦૧૮માં પણ એકેય દોષિત પુરવાર થયા નહોતા. ૨૦૧૯માં સાયબર ક્રાઇમના ૨૨૬ કેસ સામે ૧૮૯માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલ ૨૬૯ વ્યક્તિની ધરપકડ થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.