રાજ્યસભાથી સસ્પેન્ડ થયેલા આઠ સાંસદોના ધરણા ચાલુ
નવી દિલ્હી: સંસદમાં ચોમાસું સત્ર હેઠળ લોકસભાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી. આ દરમિયાન મહામારી સંશોધન બિલને મંજૂરી મળી ગઈ. બીજી તરફ, રાજ્યસભાથી સોમવારે સસ્પેન્ડ કરવામાં આવેલા ૮ સાંસદોના ધરણા સંસદ પરિસરમાં હજુ પણ ચાલુ છે. આ સાંસદોએ આખી રાત ધરણા કર્યા અને તેમના મુજબ આગળની રણનીતિ મંગળવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ નક્કી કરવામાં આવેશ.
આ દરમિયાન સવારે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ તેમના માટે સવારે ચા લઈને પહોંચ્યા. નોંધનીય છે કે, રવિવારે રાજ્યસભામાં બે અગત્યના કૃષિ બિલોને સરકારે ભારે હોબાળાની વચ્ચે પાસ કરાવી લીધા. આ દરમિયાન તૃણમૂલ કાૅંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ વેલમાં આવીને હોબાળો કર્યો. કેટલાક સાંસદોએ ઉપસભાપતિની સામે પહોંચીને બિલની નકલોને ફાડી દીધી અને ઉપસભાપતિના માઇકને પણ ઉખાડવાનો પ્રયાસ કર્યો. આ બધાનું વીડિયો રેકોર્ડીગ સંસદીય કાર્ય મંત્રાલયની પાસે છે. રવિવારે થયેલા હોબાળાની ગંભીર નોંધ લેતા સોમવારે રાજયસભાના સભાપતિએ પગલાં લેતા ૮ સાંસદનો સસ્પેન્ડ કરી દીધા હતા.
સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રિપૂન બોરા, નઝીર હુસૈન, કેકે રાગેશ, એ. કરીમ, રાજીવ સાતવ, ડોલા સેન સામેલ છે. સોમવાર મોડી રાત સુધી ચાલેલી લોકસભામાં મહામારી સંશોધન બિલને મંજૂરી મળી ગઈ છે. તે મુજબ, સ્વાસ્ય્ કર્મીઓને સંરક્ષણ આપવાનો પ્રસ્તાવ છે. તેની પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે સરકાર આ દિશામાં રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય અધિનિયમ બનાવવા પર કામ કરી રહી છે.
તેમના જણાવ્યા મુજબ, આ વિશે કાયદા વિભાગે રાજ્યોને પણ વિચાર જણાવવા માટે કહેવામાં આવ્યું છે. આ વિશે વધુ જાણકારી આપતાં ડૉ. હર્ષવર્ધને કહ્યું કે છેલ્લા બે વર્ષમાં અમે માત્ર ચાર રાજ્યોથી આ સંબંધમાં સૂચનો મળ્યા છે. તેમાં મધ્ય પ્રદેશ, ત્રિપુરા, ગોવા અને હિમાચલ પ્રદેશ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું કે મોદીના નેતૃત્વવાળી સરકારે રાજ્યોની સાથે મળી કોરોના મહામારીની વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું.