રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને મળશે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા
નવી દિલ્હી, પૂર્વ ચીફ જસ્ટિસ અને હવે રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. તેઓ ભારતમાં જ્યાં પણ જશે ત્યાં તેમને આ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સને આ માટે આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા તે દરમિયાન રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. એ પછી રંજન ગોગોઈ નિવૃત્ત થયા હતા અને હાલમાં તેઓ રાજ્ય સભાના સાંસદ પણ છે.
સબરીમાલા મંદિર અંગેનો ચુકાદો પણ તેમની જ બેન્ચે આપ્યો હતો. રંજન ગોગોઈએ એક ચુકાદામાં સરકારી જાહેરાતોમાં નેતાઓ તસવીર દર્શાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અંગ્રેજી અને હિન્દી સહિતની સાત ભાષાઓમાં પ્રકાશિત કરવાનો ચુકાદો પણ તેમની જ બેન્ચે આપ્યો હતો.