રાજ્યસભાની ચૂંટણીઃ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
બીટીપી કોને મત આપશે કે મતદાનથી અળગું રહેશે તેને લઈને સસ્પેન્સ : બંન્ને પક્ષોના જીતના દાવાઃ મોડી સાંજે પરિણામ જાહેર થશે
અમદાવાદ: ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પરની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયાનો આજે સવારથી સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના તકેદારીના પગલાં સાથે પ્રારંભ થયો છે. ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણી ખુબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતી હોય છે. પરંતુ આ વખતે ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે.
જેમાં ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા તથા નરહરી અમીન ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. ભાજપે તેના ઉમેદવાર તરીકે નરહરી અમીનને ઉતારતા ચૂંટણી પહેલાં અનેક ઉતાર-ચઢાવ જાવા મળ્યા હતા. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડતા તેના માટે કપરા ચઢાણ થયા હતા.
દરમ્યાનમાં રાજ્ય સભાની ચૂંટણીમાં બીટીપીના બે મતો ખુબ જ નિર્ણાયક સાબિત થાય તેમ છે. આજે સવારે બીટીપીના અગ્રણી છોટુભાઈ વસાવાએ મીડીયા સાથેની વાતચીનમાં જણાવ્યુ હતુ કે બીટીપીએ કોને મત આપવો એ નક્કી કરાયુ નથી. આ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. બીટીપી કદાત મતદાનથી દૂર પણ રહે. હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમે અમારી માંગ વડાપ્રધાન, મુખ્યમંત્રીને કરી છે એવી જ રીતે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીને પણ રજુઆત કરી છે. અમે ભાજપ-કોંગ્રેસ બંન્નેને રજુઆત કરી છે છતાં અમારી માંગણીઓ બંન્ને પક્ષોએ કાને ધરી નથી. રાજ્યસભાની ચૂંટણીનો આજે સવારથી જ કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં મતદાનનો પ્રારંભ થયો હતો. સાંજના પાંચ વાગ્યા સુધીમાં મતદાનની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.
એટલે કે મોડી સાંજ સુધીમાં ગુજરાતની ચાર બેઠકો પરના પરિણામની જાહેરાત થઈ જશે. આમ, તો ભાજપે ત્રીજા ઉમેદવારની જાહેરાત થતાં જ રાજ્યસભાની ચૂંટણી રસાકસીભરી બની હતી. આક્ષેપો-પ્રતિઆક્ષેપોની વ્ચ્ચે કોંગ્રેસે તેના ધારાસભ્યોને જુદા જુદા સ્થળોએ રીસોર્ટમાં રાખ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ તેના ધારાસ્ભ્યોને ભાજપ લોભ-લાલચ આપી આપી રહ્યા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. જા કે સામે પક્ષે કોંગ્રેસ તેના ભારથી તૂટી પડશે એમ ભાજપે આક્ષેપો કર્યા હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ક્રોસવોટીંગનો ભય સતાવી રહ્યો છે. જેમાં પણ બંન્ને પક્ષો તરફથી જુદા જુદા પ્રકારે દાવા થઈ રહ્યા છે. દરમ્યાનમાં આજે સવારે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં પ્રથમ મત ભાજપના આર.સી. ફળદુએ નાંખ્યો હતો. બીજી તરફ ત્રણ ધારાસભ્યો બિમાર હોવાને કારણે તેમના સ્થાને અન્ય વ્યક્તિ પ્રોક્સી મત નાંખશે.
આજે સવારે ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, નાદુરસ્ત હોવાને કારણે તેમને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા.તેમના સ્થાને ભાજપના શંકરભાઈ ચૌધરી પ્રોક્ષી મતદાન કરનાર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપે તેના ચૂંટણી એજન્ટ તરીકે પ્રદિપસિંહ જાડેજાની નિયુક્તિ કરી છે તો કોંગ્રેસે તેના ચૂંટણી એજન્ટ તરીકે અર્જુનભાઈ મોઢવાડીયાની નિયુક્ત કરી છે.
આ બંન્ને મહાનુભાવો ચૂંટણી સંબંધી સ્ટ્રેટેજીના જાણકાર છે. સવારની મતદાનની પ્ર્ક્રિયામાં બીજા મત કૌશિકભાઈ પટેલે નાંખ્યો હતો.
રાજયસભાની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસે તેના ધારાસભ્યોને મતદાન કેવી રીતે કરવું તે સહિતના માર્ગદર્શન માટે બેઠકો યોજી હતી. મોકપોલમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ મતદાન કરવામાં ભૂલ કરી હતી.
તેથી આજે ચૂંટણી દરમ્યાન મતદાનમાં ભૂલ થાય અને મત રદ્દ થાય તો બંન્ને પક્ષોને નુકશાન થઈ શકે તેમ છે. અને તેથી જ ગઈકાલ સુધી ધારાસભ્યોને મતદાનની પ્રક્રિયા સંબંધી જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આજે સવારે કોંગ્રેસના ધારાસભ્યોને અમદાવાદ એરપોર્ટ પરની હોટલ પરથી સીધા ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. જ્યારે ભાજપે તેના સભ્યોને ગાંધીનગર રોકાવા જણાવ્યુ હતુ.. બંન્ને પક્ષના ધારાસભ્યો વહેલી સવારે જ ગાંધીનગર પહોંચ્યા હતા. દરમ્યાનમાં ત્રણ ધારાસભ્યો બિમાર હોવાથી તેમના સ્થાને પ્રોકસી મત અન્ય સભ્ય નાંખશે. ભાજપના સભ્ય શંભુજી ઠાકોરના માટે રજની પટેલ પ્રોક્સી મત આપશે.
તેમની તબિયત પણ નાદુરસત છે તેથી તેમા સ્થાને પ્રોક્સી મત નંખાશે. રાજ્યસભાની ચૂંટણીમાં પહેલેથી જ આંકડાકીય ગણતરીઓના ગણિત મંડાઈ રહ્યા છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા પછી પ્રવાહી પરિસ્થિતિ સર્જાઈ હતી. બંન્ને પક્ષો તેમના ઉમેદવારોની જીત માટે દાવા કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે બીટીપી કીંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે.
બીટીપીના બે સભ્યોના મત કોને મળશે તેને લઈને સસ્પેન્સની સ્થિતિ જાવા મળી રહી છે. કોંગ્રેસે મોડીરાત સુધી બીટીપીને મનાવવાના પ્રયાસો કર્યા હતા. તો ભાજપે પણ બીટીપીના મતો અંકે કરવા પ્રયાસો કર્યા હતા.
પરંતુ આજે સવારે બીટીપીના અગ્રણી છોટુભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે હજુ સુધી મતદાન કરવું કે ન કરવુ તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. વળી, મતદાન કરીશું તો કોને મત આપીશું એ અંગે કોઈ જ પ્રકારે નિર્ણય લેવાયો નથી. આમ, બીટીપીના મતને લઈને સસપેન્સની સ્થિતિ જાવા મળી હતી.