રાજ્યસભાની ચૂંટણીમાં ગૌરાંગ પંડ્યા અને ચંદ્રીકાબેન ચુડાસમા કોંગ્રેસના ઉમેદવારો
અમદાવાદ : રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે ખાલી યોજાનારી ચૂંટણી માટે રાજ્ય રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ભાજપે તેમના બંન્ને ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસના મોવડી મંડળે આ બંન્ને બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરી દીધા હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસમાંથી ગૌરાંગ પંડ્યા અને ચંદ્રીકાબેન ચુડાસમાના નામો સૌથી આગળ હોવાનું જાણવા મળે છે. અને આ બંન્ને ઉમેદવારોને કોંગ્રેસ રાજસભાના ઉમેદવારો બનાવે એવું જાણવા મળી રહ્યુ છે.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાતના રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહ લોકસભાની ચૂંટણીમાં જીતી જતાં આ બંન્ને બેઠકો ખાલી પડી છે. આ બંન્ને બેઠકો માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દેવાતા મુખ્ય બે હરિફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લા બે દિવસથી ઉમેદવારની પસંદગીની કવાયત શરૂ કરી હતી. ગઈકાલે ભાજપ દ્વારા બંન્ને બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા.
જેમાં વિદેશમંત્રી જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જ્યારે કોંગ્રેસના પૂર્વ નેતા મથુરજી ઠાકોરના પુત્ર જુગલજી ઠાકોરને ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કરતાં તમામ અટકળોનો અંત આવી ગયો છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગઈકાલ મોડી રાત સુધી ઉમેદવારોની પસંદગી માટે કવાયત કરવામાં આવી હતી. પ્રારંભમાં પાંચ નામો ચર્ચામાં હતા પરતુ ગઈકાલે રાતે મળેલી બેઠકમાં બે નામોની પસંદગી કરવામાં આવી છે.
આ પસંદ કરાયેલા નામોમાં સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરાંગ પંડ્યા અને ચંદ્રીકાબેન ચુડાસમાનો સમાવેશ થાય છે. ગૌરાંગ પંડ્યા કોંગ્રેસના અગ્રણી નેતા છે. જ્યારે ચંદ્રીકાબેન રાજ્યના પૂર્વ મંત્રી રહી ચુક્યા છે. કોંગ્રેસમાંથી આ બે નામો નક્કી થઈ જતાં હવે તેઓ ઉમેદવારી પત્રો ભરશે એવું સુત્રોમાંથી જાણવા મળે છે.