રાજ્યસભાની ચૂંટણી પહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે

અમદાવાદ, ગુજરાતમાં આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ગુજરાત મુલાકાતને લઇને અટકળો તેજ બની ગઇ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી ૧૨મીએ માર્ચે ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો કે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આમ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર ૧૨મી માર્ચે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ગુજરાતીની મુલાકાતે આવી શકે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને દાંડીયાત્રામાં ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને નેતાઓ દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાંધીજીનો અહિંસાનો સંદેશ દેશને પાઠવી શકે છે. ગાંધીજીની જન્મભૂમિથી કોંગ્રેસ અહિંસાનો સંદેશ પાઠવશે. કોંગ્રેસની આ દાંડીયાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાય શકે છે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધી વિચારધારા સાથે ૧૨મી માર્ચથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૨ માર્ચથી ૬ એપ્રિલ સુધી દાંડી યાત્રા યોજાશે. ગાંધી વિચારોને ફરી જીવંત કરવાનો કાર્યક્રમ છે. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાશે. આ સાથે અમિત ચાવડાએ કહ્યું કે પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં જોડાવા ઉત્સુક છે.