રાજ્યસભામાંથી ટીએમસીનાં સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરાયા

નવીદિલ્હી: રાજ્યસભામાં ગુરુવારે ગેરવર્તણૂંક કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ શાંતનુ સેનને બાકી દિવસો માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાંતનુ સેને ગુરુવારે આઇટી મંત્રી પ્રદીપ વૈષ્ણવનાં હાથમાંથી પેગસસ કેસનો સ્ટેટમેન્ટ પેપર છીનવી લીધો હતો અને તેને ફાડી નાખ્યા હતો અને ડેપ્યુટી ચેરમેનની ખુરશી તરફ ફેંકી દીધો હતો.
ટીએમસીનાં સાંસદ શાંતનુ સેન પર સંસદનાં ગૃહમાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવનાં હાથમાંથી કાગળ છીનવી લેવાને લઇને એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભાનાં અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ ગઈ કાલે ગૃહમાં પોતાનું નિવેદન આપતાં મંત્રીની વર્તણૂક પર ઉંડો દુઃખ વ્યક્ત કર્યું છે. શાંતનુ સેનને કહેવામાં આવ્યુ કે, કૃપા કરીને ગૃહમાંથી બહાર જતા રહો અને ગૃહની કાર્યવાહી ચાલુ રાખવા દો. તેમને મોનસૂનન સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પછી ગૃહની કાર્યવાહી શોર વધારે થતા પહેલા ૧૨ વાગ્યે અને પછી ૧૨.૩૦ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. અધ્યક્ષે ગઈકાલની ઘટનાને ખૂબ જ ખરાબ ગણાવી છે.
જણાવી દઇએ કે, ગઈકાલથી હેડલાઇન્સમાં રહેલા ટીએમસી સાંસદ શાંતનુ સેન વ્યવસાયે ડોક્ટર છે. ડોક્ટર શાંતનુ સેન ભારતીય મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઉત્તર કોલકાતામાં રહેતા શાંતનુ સેન એક સમયે કોલકાતામાં ટીએમસી કાઉન્સેલર હતા.
ગઈકાલે માહિતી ટેકનોલોજી અને સંદેશાવ્યવહાર મંત્રી અશ્વિની વૈષ્ણવ ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા ભારતીઓની જાસૂસી કરવાના મુદ્દે ગૃહમાં નિવેદન આપી રહ્યા હતા. તે જ સમયે, તૃણમૂલ કોંગ્રેસનાં સભ્યો અને અન્ય કેટલાક વિરોધી પાર્ટીઓએ હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમ્યાન, તૃણમૂલ કોંગ્રેસનાં સભ્ય શાંતનુ સેને કેન્દ્રીય મંત્રીનાં હાથમાંથી નિવેદનની નકલ છીનવી લીધી હતી અને ફાડી નાખી તેને હવામાં ઉડાવી દીધા હતા.
આ સ્થિતિને કારણે, વૈષ્ણવે બાદમાં નિવેદનની નકલ ગૃહનાં ટેબલ પર મૂકી. ઉપસભાપતિ અધ્યક્ષ હરિવંશે હંગામો મચાવી રહેલા સભ્યોને અસંસદીય વ્યવહાર ન કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેઓની વાત સાંભળવામાં ન આવી. અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ આજે ગૃહની બેઠક શરૂ થયા બાદ ગઈકાલની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને શાંતનુ સેનને સત્રની બાકીનાં સમયગાળા સુધી સસ્પેન્ડ કરી દીધા હતા.