જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં 367 વિરુદ્ધ 67 મતથી પાસ થયું
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. બિલની ચર્ચા દરમિયાન વિપક્ષે હોબાળો કર્યો હતો. કોંગ્રેસ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દો યુએનમાં પેન્ડિંગ છે. તેથી તે અંગત મુદ્દો કેવી રીતે હોઈ શકે છે. આ વિશે શાહે પડકાર આપતા કહ્યું કે, સરકારે કોઈ નિયમ તોડ્યો હોય તો તમે જણાવી શકો છો. અમે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ આપણું જ માનીએ છીએ. અમે તે માટે જીવ પણ આપી દીશું. શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિએ કલમ હટાવવાની અધિસૂચના જાહેર કરી હતી.
શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર દિલ્હી અને પોંડિચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને અહીં વિધાનસભા પણ બનશે. અહીં લદ્દાખની સ્થિતિ ચંદીગઢ જેવી થશે. જ્યાં વિધાનસભા નહીં હોય.
લોકસભામાં ડીએમકે સાંસદ ટીઆર બાલુએ કહ્યું કે, કાશ્મીરની પરિસ્થિતિ વિશેષ છે પરંતુ તમે રાજ્યસભામાં આ વિશે કોઈ ચર્ચા નથી કરી. શું સરકાર લોકસભાની સાથે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી નહતી કરી શકતી? પરંતુ સરકારની એવી ઈચ્છા જ નહતી. તેમણે કહ્યું કે, સંસદને સંકલ્પ પાસ કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલવાનો અધિકાર છે અને તેથી જ અહીં રોજ 2-3 બિલ પસાર કરવામાં આવી રહ્યા છે અને ચર્ચા કે દલીલ વગર નયા કાયદા પણ બનાવવામાં આવી રહ્યા છે. બાલુએ કહ્યું કે, ખબર નથી પડતી કે આ રીતે સરકારને શું મળવાનું છે કે, તેમનો હેતુ શું છે. અમે તો આ આ બિલ પર વોક આઉટ કરી શકીએ અથવા તેના વિરોધમાં વોટ કરી શકીએ. તમે એક રાજ્યની બે નગર પાલિકા બનાવી દીધી છે. તે લોકોની ચિંતા હવે કોણ કરશે. બાલુએ કહ્યું કે, આ બંને બિલને પસાર કરવાનો હક માત્ર વિધાનસભાને છે. સંસદને તેનો અધિકાર નથી. ત્યાંની સંવિધાન સભા તેનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. પરંતુ તમે માત્ર તમારા મેનિફેસ્ટોને લાગુ કરીને આ કલમ હટાવી દીધી છે. આ માત્ર તમારો હેતુ છે. જનતાની ઈચ્છા તો કઈક અલગ જ છે. તેથી ડિએમકે આ બિલનો વિરોધ કરે છે.
Resolution revoking Article 370 from Jammu & Kashmir passed in Lok Sabha pic.twitter.com/BhDpDJV0Bs
— ANI (@ANI) August 6, 2019
ચૌધરીએ અમિત શાહને કહ્યું કે, તમે કાશ્મીરને અંગત મુદ્દો ગણાવી રહ્યા છો પરંતુ 1948થી યુએન આ મુદ્દાને જોઈ રહ્યું છે. આ અંગત મામલો કેવી રીતે થયો? અમે શિમલા અને લાહોર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તો અંગત મામલો છે કે દ્વીપક્ષીય? થોડા દિવસ પહેલાં એસ જયશંકરે અમેરિકન વિદેશ મંત્રી માઈલ પોમ્પિયોને કહ્યું હતું કે, કાશ્મીર દ્વીપક્ષીય મુદ્દો છે, તમે તેમાં દખલગીરી ન કરી શકો. તો હવે જમ્મુ-કાશ્મીર મુદ્દો અંગત કેવી રીતે થઈ ગયો.
આ વિશે શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભીન્ન અંગ છે. તે વિશે કોઈ કાયદાકીય વિવાદ નથી. જ્યારે ભારત અને જમ્મુ-કાશ્મીરનું બંધારણ બન્યું હતું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે, તે ભારતનું અભિન્ન અંગ છે. અત્યારે કલમ 370ના ભાગ-1માં જેટલા પણ નિયમ છે તે લાગુ છે. તેના 15માં ભાગમાં ઉલ્લેખ છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભીન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરના બંધારણમાં પણ તેનો ઉલ્લેખ છે. તેનાથી દેશને પૂરતો અધિકાર છે કે તેઓ જમ્મુ-કાશ્મીર વિશે આ પ્રકારનો કાયદો બનાવી શકે. જ્યારે હું જમ્મુ-કાશ્મીર વિશે બોલુ છું ત્યારે પીઓકેની વાત તેમાં આવી જ જાય છે. અમે તે માટે જીવ આપી દઈશું. અમે આક્રમક કેમ ન થઈએ? શું તમે પીઓકે ભારતનો હિસ્સો નથી માનતા? આપણાં બંધારણમાં જમ્મુ-કાશ્મીરની જે સીમા નક્કી કરવામાં આવી છે તેમાં પીઓકે પણ આવે છે.
આ પહેલાં કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવતી 70 વર્ષ જૂની કલમ 370 સોમવારે ખતમ કરી દીધી છે. તે માટે અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. થોડી વારમાં જ રાષ્ટ્રપતિએ મંજૂરી જાહેર કરી હતી. તેનાથી જમ્મુ-કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ કરવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.