રાજ્યોને મૂડીગત ખર્ચ કરવા માટે રૂ. 12,000 કરોડની 50 વર્ષની વિશેષ વ્યાજમુક્ત લોન
કેન્દ્ર સરકારે બજેટ 2020માં આપેલા રૂ. 4.13 લાખ કરોડ ઉપરાંત રૂ. 25,000 કરોડનું વધારાનું બજેટ મૂડીગત ખર્ચ માટે પ્રદાન કરવામાં આવ્યું
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે અર્થતંત્રમાં ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન આપવા રૂ. 73,000 કરોડના લાભની જાહેરાત કરી હતી. એનો આશય કોવિડ-19 રોગચાળાને પગલે લાગુ લોકડાઉનને કારણે અર્થતંત્રમાં થયેલા ઘટાડાની અસરને ઓછી કરવાનો છે.
જ્યારે શ્રીમતી સીતારામને અર્થતંત્રમાં માગને પ્રોત્સાહન આપવાના પેકેજની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, “સરકારી અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓની બચતમાં વધારો થયો છે એવા સંકેતો મળ્યાં છે તથા અમે આ પ્રકારના લોકોને ઓછા નસીબદાર લોકોના લાભ માટે માગને વેગ આપવા માટે પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ.” નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, જો આજે જાહેર થયેલા પ્રોત્સાહક પગલાઓને આધારે માગ વધશે, તો એનાથી કોવિડ-19થી અસર પામેલા લોકો પર સકારાત્મક અસર થશે અને જે લોકો વ્યવસાય જાળવવા આતુર છે તેમને પણ મદદ મળશે.
નાણાં મંત્રીએ એ વિચાર પર ભાર મૂક્યો હતો કે, વર્તમાન સમાધાન ભવિષ્યની સમસ્યા ન બનવી જોઈએ. શ્રીમતી સીતારામને કહ્યું હતું કે, સરકાર ભવિષ્યમાં મોંઘવારી સાથે સામાન્ય નાગરિક પર ભાર લાદવા ઇચ્છતી નથી અને સાથે સાથે સરકારી ઋણને અનિશ્ચિતતાના માર્ગે દોરવા પણ ઇચ્છતી નથી.
નાણાં મંત્રીએ આજે રજૂ કરેલી દરખાસ્તો રાજકોષીય વિવેકાધિન રીતે ખર્ચને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે, કારણ કે તેમાંથી કેટલીક દરખાસ્તો પાછળથી ઓફસેટ કરવાની સાથે આગોતરા ખર્ચ કે ફ્રન્ટ-લોડિંગ સાથે સંબંધિત છે, ત્યારે અન્ય દરખાસ્તો જીડીપીમાં વૃદ્ધિ સાથે સીધી સંબંધિત છે. શ્રીમતી સીતારામનની હાલની જાહેરાત કોવિડ-19 પ્રેરિત આર્થિક મંદીનો સામનો કરવા ભારત સરકારના સક્રિય હસ્તક્ષેપને સૂચવે છે.