રાજ્યો SC-ST સમુદાયમાં કેટેગરી બનાવી શકે: સુપ્રીમ
સુપ્રીમની સાત જજોની ખંડપીઠને મેટર મોકલાઈ: અન્ય જ્ઞાતિઓની સરખામણીએ પ્રાધાન્ય અંગે નિર્ણય લેવાયો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે રાજ્યો અનામત માટે એસસી/એસટી સમુદાયમાં કેટેગરી પણ બનાવી શકે છે. અદાલતે આ ર્નિણય એટલા માટે લીધો છે કે એસસી /એસટીમાં આવતી કેટલીક જ્ઞાતિઓને બાકીની જ્ઞાતિઓની સરખામણીએ અનામત માટે વધુ પ્રાધાન્ય આપી શકાય. ૨૦૦૪ની શરૂઆતમાં ઇ.વી. ચિન્નૈયા વિ. આંધ્રપ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચે ચુકાદો આપ્યો હતો કે કોઈ પણ વર્ગને મળેલા ક્વોટામાં બીજા ક્વોટાની મંજૂરી નથી. કોર્ટે આ મામલાને વધુ વિચારણા માટે લીધો છે. કોર્ટે આ મામલાને સાત ન્યાયાધીશોની ખંડપીઠને મોકલી આપ્યો છે.
કોર્ટે બંધારણ પીઠને એસસી / એસટીની અંદર ક્રીમી લેયર પર પુનર્વિચારણા કરવા જણાવ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં રાજ્યોને આવા જૂથોને ક્વોટાનો લાભ આપવા માટે સત્તા આપી છે, જે અનામતનો લાભ મેળવી શક્યા ન હતા. ગુરુવારે બેન્ચે કહ્યું કે, “આવા વર્ગીકરણ બંધારણની કલમ ૩૪૧ હેઠળ રાષ્ટ્રપતિના આદેશથી ચેડા નહીં કરે.” ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાએ કહ્યું, ‘જો રાજ્યમાં અનામત આપવાની શક્તિ છે, તો તે તેનો લાભ તે પેટા જાતિઓને આપી શકે છે, જેઓ પહેલા તેનો લાભ લેવામાં અસમર્થ હતા.’
જસ્ટિસ ઇન્દિરા બેનર્જી, વિનીત સારન, એમઆર શાહ અને અનિરુધ બોઝની બનેલી બેન્ચે કહ્યું કે ૨૦૦૪ ના ચુકાદામાં યોગ્ય ર્નિણય લેવામાં આવ્યો નથી અને રાજ્યો એસસી / એસટીમાં સબક્લાસ જ્ઞાતિઓ માટે કાયદો બનાવી શકે છે. આ અપીલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ર્નિણય બાદ દાખલ કરવામાં આવી હતી. આ ર્નિણયમાં, પંજાબ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ (સેવાઓમાં આરક્ષણ) અધિનિયમ, ૨૦૦૬ ની કલમ ૪ (૫) રદ કરવામાં આવી હતી. આ અંતર્ગત સીધી ભરતીમાં અનુસૂચિત જાતિ માટેની અનામત ખાલી જગ્યાઓમાંથી ૫૦ ટકા જો વાલ્મીકી અને ધાર્મિક શીખને પ્રથમ પસંદગી તરીકે આપવાની જોગવાઈ હતી. આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવીને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ઇ.વી. ચિન્નૈયા વિ. આંધ્રપ્રદેશ રાજ્ય (૨૦૦૫) ૧ એસસીસી ૩૯૪ પર આધાર રાખ્યો હતો.SSS