Western Times News

Gujarati News

રાજ્ય મંત્રીમંડળની ચોથી વીડિયો કોન્ફરન્સ કેબિનેટની બેઠકમાં કલેક્ટર કચેરી ખાતેથી ઓનલાઇન વિડિયો કોન્ફરન્સથી સહભાગી થતા મહેસૂલ મંત્રી

• અમદાવાદ જિલ્લામાં બે દિવસમાં ૧,૫૫૯ જેટલા યુનિટો શરૂ થયા
• ૩૦,૦૦૦ લોકોને રોજગારી મળવાની શરૂ થઇ
• અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય સહિતના કુલ ૧૪૩૬ પોઝિટિવ કેસ
• લોકડાઉનના પાલન દ્વારા કોરોનાની પરિસ્થિતિને નાથવા માટે આપણે મહદઅંશે સફળ થયા છીએ

વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે તે જિલ્લામાં રહેલા મંત્રીશ્રી જિલ્લા કચેરી ખાતેથી જ ઓનલાઇન વિડિયો કોન્ફરન્સિંગમાં સહભાગી થાય તેવા ઉપક્રમમાં આજે મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી રાજ્ય મંત્રીમંડળની ચોથી વીડિયો કોન્ફરન્સ કેબિનેટની બેઠકમાં સહભાગી થયા હતાં.

આ ઓનલાઇન બેઠક બાદ તેમણે જિલ્લાની આરોગ્ય સ્થિતિ વિશે જણાવ્યું કે, આજની તારીખે અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય સહિતના કુલ ૧૪૩૬ કેસ પોઝિટિવ નોંધાયેલા છે. ૭૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ૫૩ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આજની તારીખે ૬૯૩૧ લોકોને હોમ કોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે.મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સાથે ૨૪ કલાક સેવામાં રોકાયેલા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસની સક્રિય કામગીરી તેમજ લોકોના લોકડાઉનના પાલનને કારણે આપણે કોરોનાના સંક્રમણને નાથવામાં આપણે મહદઅંશે સફળ રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, અમેરિકા જેવા સાધન સંપન્ન દેશોમાં આપણા કરતાં ટેસ્ટીંગ વધુ થયા છે તેની સરખામણીમાં આપણે ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સ્વચ્છતા દ્વારા તથા જનજાગૃતિ દ્વારા આપણે કોરોનાની પરિસ્થિતિને અંકુશમાં રાખી શક્યાછીએ. લોકડાઉનના અમલ દ્વારા પ્રજાનો સારો સહયોગ મળ્યો છે જેના કારણે બીજા રાજ્યો કરતાં આપણી પરિસ્થિતિ સારી છે.

બે દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા વેપાર – ઉદ્યોગ શરૂ થાય, લોકોને રોજગારીના અવસર મળે તે માટે ભારત સરકારના નિયમોને આધિન વેપાર – ઉદ્યોગ ચાલું થાય તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે અમદાવાદ જિલ્લામાં ૧૫,૯૬૩ અરજીઓ મળી હતી. જે અંતર્ગત ૧,૫૫૯ જેટલા યુનિટો શરૂ થયા છે. જેનાથી ૩૦,૦૦૦ હજાર લોકોને રોજગારી મળવાની શરૂ થઇ છે.

ઉદ્યોગ- ધંધા શરૂ કરવા અંગે કલેક્ટર કચેરીમાં અરજી મળે તે તુરંત તેની આવશ્યકતાઓ- માંગણીઓ ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.  તેમણે એમ પણ ઉમેર્યુ કે, અમદાવાદ, સુરત અને વડોદરાના અમૂક વિસ્તારોમાં કડક લોકડાઉનનો અમલ કરવા માટે કરફ્યુ લાગુ કરાયેલો છે પરંતુ કોરોનાની પરિસ્થિતિને આધારે ભારત સરકારની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર તેમાં આગળ વધશે.

તેમણે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ગરીબો માટે રેશન કાર્ડ દ્રારા અન્ન બ્રમ્હ જેવી યોજના દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી અનાજ પહોંચાડ્યું છે અને વિવિધ પ્રકારની મદદ દ્વારા લોકોનું જીવન સરળ બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ અવસરે મંત્રીશ્રી સાથે અમદાવાદ કલેક્ટરશ્રી કે.કે. નિરાલા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.