રાજ્ય સરકારના શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે ઉદાસીન વલણના કારણે શિક્ષકો ઉપવાસ પર
ભરૂચ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે ઉદાસીન વલણ દાખવતા રાજ્યભરના શિક્ષક સંઘ દ્વારા ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યા છે.આજરોજ ઝઘડિયા તાલુકાના પટરાંગણમાં ૧૦૦ જેટલા શિક્ષકો ઉપવાસ પર બેઠા છે અને આ દરમિયાન શિક્ષકો ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેમી માંગણીની લડતને વેગવંતી બનાવશે.
ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંલગ્ન છે અને અખિલ ભારતીય શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે.શિક્ષણની સ્થિતિમાં સુધારો લાવવા,શિક્ષણના સારા પરિણામો મેળવવા વિગેરે બાબતો માટે સંઘનું સંગઠન સરકારનું ધ્યાન આકર્ષિત કરી માંગ કરે છે કે વર્ષ ૨૦૦૬થી જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે આંદોલન ચલાવી રહ્યા છે.
આ સંદર્ભે શિક્ષકોએ ભેગા મળી ૨૦૧૭માં દિલ્હી જંતર મંતર ખાતે એક દિવસનો ધરણા નો કાર્યક્રમ આપ્યો હતો.સરકારના ઉદાસીન વલણ ના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ ફરી આંદોલન કરવા મજબૂર બન્યા છે. આ બાબતે સંઘ દ્વારા જુદા જુદા સ્તરે તાલુકાથી લઇ રાષ્ટ્રીય કક્ષા સુધી આંદોલનની રૂપરેખા તૈયાર કરી સરકાર સામેની અંદોલનરૂપી લડતના ઝઘડિયા તાલુકાથી શ્રીગણેશ કર્યા છે.આ આંદોલન નવેમ્બર થી શરૂ કરી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ચાલશે.રાષ્ટ્રીય સ્તર પર દિલ્હી ખાતે એક અઠવાડિયા સુધી ક્રમિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ૩૦ નવેમ્બર સુધી તાલુકા કક્ષાએ. જિલ્લા કક્ષાએ ૧૪ થી ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી. રાજ્ય કક્ષાએ ૧૭ થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૦. રાષ્ટ્રીય કક્ષાએ ૨૧ થી ૨૭ જાન્યુઆરી ઉપવાસ આંદોલન કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. આજરોજ ઝઘડિયા ખાતેના ઉપવાસ આંદોલન દરમિયાન શિક્ષકો પોતાની માંગણી બાબતે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપશે અને તેમની પડતર માંગણીઓ જેવીકે જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી તા. ૧.૧.૨૦૧૬ ની અસર થી સમાનરૂપે લાગુ કરવી.
બધા ફિક્સ પગારી શિક્ષકો, પેરા ટીચર્સ, શિક્ષક સહાયક, વિદ્યાસહાયક, ગણ શિક્ષકો, નિયોજિત શિક્ષકો, ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એક સરખું વેતન આપવામાં આવે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી. શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું. ગુજરાત રાજ્ય શિક્ષક સંઘની માંગણીઓમાં ઉચ્ચત્તર પગાર ધોરણ સી.સી.સી પાસ કર્યા બાદ પરંતુ મળવા પાત્ર તારીખ થી આપવા બાબત તથા તારીખ ૩૦.૬.૧૬ પછી મુદત વધારવા બાબત.પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં રૂ.૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા બાબત જેવી માંગણીઓ સરકાર સમક્ષ કરી છે.