રાજ્ય સરકારે મેગા પ્લેસમેન્ટ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરે તે પહેલા રોજગારીની તકો પૂરી પાડી છે : બળવંતસિંહ રાજપૂત
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનો માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો
મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓની ખાલી જગ્યાઓ પર નોકરી માટે પસંદગી કરાઈ, અન્ય ૨૦૦ વિદ્યાર્થીઓને શોર્ટ લિસ્ટ કરાયા
વિવિધ ક્ષેત્રની ૪૩ કંપનીઓમાં ૭૦૦ જેટલી ખાલી જગ્યાઓ માટે ૧૫ કોલેજના ૮૫૦થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન
માહિતી બ્યુરો, પાટણ:પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં પાટણ જિલ્લાની ૧૫ જેટલી કોલેજોમાં વિવિધ પ્રવાહોના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રાસંગિક ઉદબોધન કરતાં જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતનું વિકાસ મોડેલ સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ગુજરાત રોજગારી ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકારશ્રીએ બેરોજગાર લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી છે. હવે યુવાનોને રોજગારી શોધવા જવાની જરૂર નથી, નોકરીદાતાઓ અને યુવાનોને પ્લેસમેન્ટ કેમ્પ દ્વારા એક પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું છે.
વધુમાં ચેરમેનશ્રીએ જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી રહેલા કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતની ૫૦૦ જેટલી કોલેજોમાં ૯૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે શિક્ષણની સાથે સ્કિલ પણ એટલી જ જરૂરી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓ સ્કિલ બેઝ એજ્યુકેશનમાં આગળ વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાની સ્કિલ વિકસાવે તે જરૂરી છે.
આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.જે.જે.વોરાએ જણાવ્યું કે, મેગા પ્લેસમેન્ટ કેમ્પ નોકરીદાતાઓ અને યુવાનો વચ્ચેનો સેતુ છે. યુવાનોને પસંદગીની કંપનીમાં નોકરી મળે તથા નોકરીદાતાઓ શિક્ષણની સાથે સંલગ્ન કૌશલ્ય ધરાવતા યુવાનોની પસંદગીની તક પ્લેસમેન્ટ કેમ્પ થકી મળી રહી છે.
મેગા પ્લેસમેન્ટ કેમ્પના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અગાઉ યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પ થકી નોકરી મેળવનાર ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ લેટર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે મહાનુભાવોએ રાજ્ય સરકાર દ્વારા આયોજીત પાટણ ઝોન-૦૨ના મેગા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૦માં ભાગ લેનાર કંપનીઓ અને વિદ્યાર્થી ઉમેદવારોની વિગતો દર્શાવતી માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. મહાનુભાવોએ નોકરીદાતાઓ દ્વારા લેવામાં આવનાર ઈન્ટરવ્યુમાં સફળતા મળે તે માટે સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે પાટણ જિલ્લાની ૧૫ જેટલી કોલેજોના આર્ટસ્, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, ડિપ્લોમા જેવા વિવિધ પ્રવાહોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના કેમેસ્ટ્રી, મેથેમેટીક્સ અને લાઈફ સાયન્સ વિભાગમાં વિવિધ ક્ષેત્રની ૪૩ જેટલી કંપનીઓ દ્વારા ખાલી પડેલી ૭૦૦ જેટલી જગ્યાઓમાં રોજગારીની તક પુરી પાડવા રજીસ્ટ્રેશન કરાયેલા ૮૫૦ વિદ્યાર્થીઓની ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરવામાં આવી અને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોકરીની ખાલી જગ્યાઓ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, એચ.એન.જી.યુ.ના રજીસ્ટ્રારશ્રી ડૉ.ડી.એમ.પટેલ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી સી.બી.ચૌધરી, જિલ્લાની વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, વિવિધ ક્ષેત્રની કંપનીઓના એચ.આર.મેનેજરશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.