રાજ્ય સરકારે ૭૩ સરકારી શાળાઓ અને AMCએ ૯૬ શાળાઓ બંધ કરી
ગાંધીનગર, વિધાનસભામાં આજે વિનિયોગ વિધેયક પરની ચર્ચામાં દરમિયાન દરિયાપુરના કોંગ્રેસના ઘારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બંધ પડેલ સરકારી શાળાઓ પુનઃ શરૂ કરવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા નવી શાળાઓ શરૂ કરવામાં આવતી નથી પરંતુ ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માટે સરકારી શાળાઓ બંધ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૭૩ સરકારી શાળાઓ બંધ કરી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૯૬ શાળાઓ બંધ કરી છે.
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવે છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડે છે. સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. સરકારી પ્રાથમિક શાળાઓમાં ૯,૯૪૩ જેટલા શિક્ષકોની ઘટ છે અને જે શિક્ષકો છે તેમને પણ અન્ય કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર વિપરીત અસર પડે છે. સરકારી શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી કરી સરકારી કર્મચારીઓને સ્પીપા જેવી સંસ્થામાં અપાતા પ્રશિક્ષણની જેમ તમામ શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિ અનુસાર પ્રશિક્ષણ આપી પ્રશિક્ષિત કરવા જોઈએ.
શેખે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ઈતર માધ્યમ ઉર્દૂ, મરાઠી અને સિંધીની ૯૬ શાળાઓ બંધ થયેલ છે. ઉર્દૂ સહિત ઈતર માધ્યમની શાળાઓને પ્રોત્સાહિત કરી પુનઃ ચાલુ કરવાનો ઈમાનદારી પૂર્વક પ્રયાસ કરવો જોઈએ. ગુજરાતી સહિત ઈતર માધ્યમ ઉર્દૂ, મરાઠી અને સિંધીની શાળાઓને જો વિદ્યાર્થીઓ ન મળતા હોય અને વાલીઓની માંગણી હોય તો બંધ પડેલી શાળાઓ અંગ્રેજી માધ્યમમાં શરુ કરવી જોઈએ. અમદાવાદની કેટલીય ખાનગી શાળાઓ ફી નિર્ધારણ સમિતિએ નક્કી કરેલ ફી કરતાં પણ વધુ ફી વસુલે છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ઊંચી ફી ઉઘરાવવા અંગે વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૯ શાળાઓ સામે રાજ્ય સરકારને ફરિયાદો મળી છે.નક્કી થયેલ વધુમાં વધુ રૂ. ૩૫,૦૦૦ની ફી કરતાં અનેકગણી વધુ એકથી પાંચ લાખ રૂપિયા સુધીની ફી નામાંકિત ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવાય છે.આવી શાળાઓને આટલી મોટી ફી ઉઘરાવવાની મંજૂરી કેમ અપાય છે ? લાખો રૂપિયા ફી ઉઘરાવવા માટે ખાનગી સંચાલકોને નવી શાળાઓ શરૂ કરવાની મંજૂરીઓ આપવામાં આવે છે તેવો આક્ષેપ શ્રી શેખે કર્યો છે.