Western Times News

Gujarati News

રાજ્ય સરકાર ગરીબોના હિતોની સતત ચિંતા કરે છે :પ્રદીપસિંહ જાડેજા

ધાનપુર ખાતે રૂ. ૧.૫૫ કરોડના ખર્ચથી નિર્માણ પામનારા બસ સ્ટેન્ડનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું હતું. સંજેલી બાદ ટૂંકા સમય ગાળામાં જ ધાનપુરને પણ નવું બસ સ્ટેન્ડ મળવાનું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી એસટી નિગમ દ્વારા નિર્માણ પામેલા રાજ્યના બસ સ્ટેન્ડ્સનું લોકાર્પણ કર્યું હતું. તેની સાથે જ ધાનપુરના બસ સ્ટેન્ડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે નૂતન વર્ષ 2021ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ આપી હતી. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી માં 1000 નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિના થી મુસાફરો ની સેવામાં મૂકવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી.

તેમણે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર  પરિવહન સેવા માટે નવી 50 ઇ બસ મૂકવામાં આવશે તેવી ઘોષણા પણ કરી છે મુખ્યમંત્રીશ્રી એ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડ ના ખર્ચે સાકાર  થયેલા 5  નવા બસ મથકો ના લોકાર્પણ અને 10 નવા બનનારા બસ મથકોના ખાત મુહૂર્ત સંપન્ન કરતા આ જાહેરાત કરી હતી.

ધાનપુર ખાતે યોજાયેલી એક નાની જાહેરસભાને સંબોધન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી જાડેજાએ કહ્યું કે, અહીં બસ સ્ટેન્ડ બનતા રોજની ૪૫૦ જેટલી બસ ટ્રીપનું સંચાલન થશે અને તેના કારણે ૨૨ હજાર મુસાફરોને ફાયદો થશે. બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓ, સ્ટાફ અને ડ્રાઇવર-કન્ડક્ટર માટેની સુવિધાની જોગવાઇ કરવામાં આવી છે. દૂરદરાજના પ્રવાસીઓને રાહત થશે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા નવી બસો સંચાલનમાં મુકવામાં આવતા મુસાફરોને બહેતર સવલત મળશે. એસટી નિગમે કોરોના કાળમાં સેવાનું કામ સારી રીતે કર્યું છે અને નિગમ એ રાજ્ય સરકાર માટે નફા રળવાનું સાધન નહી પણ, સેવાનું માધ્યમ છે.

શ્રી જાડેજાએ કહ્યું કે, એસટીની સવારી સલામત સવારી છે. ગુજરાત એસટી નિગમને ન્યૂનત્તમ અકસ્માત નડે છે અને મુસાફરોની સલામતી માટે કેન્દ્ર સરકાર દ્વારા એસટીને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર ગરીબોના હિતોની સતત ચિંતા કરે છે અને તેના સર્વાંગી વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેમ કહેવા શ્રી જાડેજાએ અંતે ઉમર્યું કે, ગરીબ મુસાફરોને પોતાના શુભપ્રસંગો માટે એસટી બસ નજીવા દરોથી ભાડે મળે છે. આ ઉપરાંત તેની શ્રવણ યોજના વૃદ્ધોને તીર્થધામોની યાત્રા કરાવે છે.

શ્રી જાડેજા અને અન્ય મહાનુભાવોએ આ વેળાએ ખાતમુહૂર્ત વિધિ કરી હતી. આ વેળાએ અગ્રણી શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી શંકરભાઇ અમલિયાર, સરપંચશ્રી અશ્વિનભાઇ રાઠવા, શ્રી સ્નેહલભાઇ ધરિયા ઉપરાંત કલેક્ટર શ્રી વિજય ખરાડી, ડીડીઓ શ્રી રચિત રાજ, એસટીના વિભાગીય નિયામક શ્રી ડિંડોડ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.