Western Times News

Gujarati News

રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે: વિભાવરીબેન દવે

લુણાવાડા:  રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓને નતમસ્તકે વંદન કરી રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાનું કહ્યું હતું.

રાષ્ટ્રના ૭૧ માં પ્રજાસત્તાક દિનની મહિસાગર જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત ખાનપુર તાલુકાના બાકોર પાંડરવાડા ખાતે શ્રી કે. એમ. દેસાઈ હાઇસ્કૂલના પટાંગણમાં રાષ્ટ્રના ત્રિરંગાને ખુશનુમાભર્યા વાતાવરણમાં ધ્વજને ફરકાવી સલામી આપી આન-બાન-શાન સાથે ધ્વજવંદન કરાવ્યું હતું.

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પૂ.મહાત્મા ગાંધીજીને યાદ કરી ગાંધીજીએ છેવાડાનાં ગામડાંના અને ગરીબો,  વંચિતોના ઉત્થાન માટેની યોજના અને તેમનો વિકાસ એજ સુશાસન તે દિશામાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.

શ્રીમતી દવેએ સનાતન ભારતીય ભાતિગળ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે નાગરિક સંશોધન વિધેયક જે સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું છે તે કાયદો કોઈની નાગરિકતા છીનવવાનો નથી પણ નાગરિકતા આપવા માટેનો હોવા છતાં પણ કેટલાક લેભાગુ અને તકવાદીઓ પોતાની વોટબેંકની રાજનીતિ માટે વિરોધ કરી રહ્યા છે ત્યારે આવા વિરોધીઓને ઓળખી સહકાર ન આપતાં રાષ્ટ્રના નિર્માણમાં જનજને સહયોગ આપવા જણાવ્યું હતું.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર, પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને ગતિશીલતાના ચાર આધાર સ્તંભો પર રહીને જનજનના હિતાર્થે અને લોકકલ્યાણ માટે અનેક જનહિતના નિર્ણયો લઈને પ્રજાજનોને સુશાસનની પ્રતીતિ કરાવી રહી હોવાનું કહ્યું હતું.  શ્રીમતી દવેએ આજે ગુજરાત શિક્ષણ અને આરોગ્યની સાથે મેન્યુફેક્ચરીંગ અને ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ હબ બનીને ઉભરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.  મંત્રી શ્રીમતી દવેએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોને સીધેસીધા લાભાર્થીઓના હાથમાં પહોંચે તે માટે વચેટિયાઓને નાબૂદ કરી ગરીબ કલ્યાણમેળાના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું કહ્યું હતું.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી દવેએ રાજ્ય સરકાર દ્વારા ગરીબો- શોષિતો – વંચિતો, સમાજના તમામ વર્ગો, ખેડૂતો સહિતના લોકો માટે મુકવામાં આવેલ વિવિધ યોજનાઓ જેવી કે, જળ સંચય, ગરીબ કલ્યાણ મેળા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સિંચાઈ, માં કાર્ડ, સેવા સેતુ, કરુણા અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, એપ્રેન્ટીસ યોજના, રોજગાર ભરતીમેળા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

શ્રીમતી દવેએ વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ગુનાખોરીને ડામવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટની જાણકારી આપી ખેડૂતો જૈવિક અને સેન્દ્રીય ખેતી અપનાવે તે માટે આપવામાં આવી રહેલ માર્ગદર્શન અને જાણકારી આપી ગુજરાતને વિકાસની નવીનતમ ઉંચાઇના શિખરો સર કરવા નિષ્ઠાપૂર્વક કામ કરવાનો અનુરોધ કરી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી

આ પ્રસંગે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ ખાનપુર તાલુકાના વિકાસ માટે રૂા.૨૫/- લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કર્યો હતો. ધ્વજવંદન કર્યા બાદ મંત્રી શ્રીમતી દવેએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. આ પ્રસંગે મંત્રી શ્રીમતી દવેના હસ્તે જિલ્લામાં વિવિધ શ્રેત્રે વિશિષ્ટ સિધ્ધિ અને કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ સહિત ૩૫ વ્યક્તિઓનું સન્માન પત્ર અને એવોર્ડ આવી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા ૧૫ જેટલા ટેબલોનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. જેને ઉપસ્થિત મહાનુભાવો સહિત પ્રજાજનોએ રસપૂર્વક નિહાળ્યુ હતું.

આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, આદિવાસી નુત્ય અને દેશ ભક્તિના ગીતો રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યા બાદ બાકોર પાંડરવાડા ખાતે અંદાજે રૂા.એક કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું.

૭૧માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયા, સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, પુર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ માલીવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ, જિલ્લા અગ્રણીશ્રી જે.પી.પટેલ, શ્રી મુળજીભાઇ રાણા, જિલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા શ્રીમતી ઉષાબેન રાડા, સરપંચ શ્રીમતી સરસ્વતીબેન સહિત જિલ્લા તાલુકાના અગ્રણીઓ સહિત પ્રજાજનો અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.