રાજ્યકક્ષાએ સન્માનિત વલસાડના સાત યુવા રક્તદાતાઓનું અભિવાદન કરાયું
વલસાડઃ ભારતમાં દર વર્ષે તા. ૧લી ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ રક્તની જરૂરિયાત સામે રક્તદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવા અને સામાન્ય જન માનસને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તમામ રક્તદાન કેન્દ્રોની જરૂરિયાત સંતોષી શકાય અને આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂરિયાત મંદોને પુરા પાડી શકાય.
રાષ્ટ્રીય રક્તદાન દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં યુવા રક્તદાતાઓ કે જેમણે, ૧૮ થી ૨૫ વર્ષ સુધીમાં ૧૫ કે તેથી વધુ વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું હોય તેવા ગુજરાતભરના ૫૭ રક્તદાતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં વલસાડના સાત યુવા રક્તદાતાઓનો સમાવેશ થાય છે. જેમનો અભિવાદન સમારોહ વલસાડ રક્તદાન કેન્દ્રના ૩૬મા વર્ષમાં મંગળ પ્રવેશની પૂર્વસંધ્યાએ વલસાડ ખાતે યોજાયો હતો.
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની આ વર્ષની થીમ છે કે, દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછું એક વખત રક્તદાન કરવું જોઇએ. જો કે વલસાડ જિલ્લાની વાર્ષિક ૪૦ હજાર યુનિટ રક્તની જરૂરિયાત સામે ૩૦ હજારથી વધુ વ્યક્તિઓ સ્વૈચ્છિક રકતદાન કરી તથા કેટલાય નાના-મોટા રક્તદાન શિબિર આયોજકો રક્તદાન શિબિરનું આયોજન કરીને વધુને વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રક્તદાન માટે પ્રેરણાષાોત બની વંદનીય કાર્ય થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થઇ માનવતાને ચરિતાર્થ કરી રહ્યા છે.
વલસાડ રક્તદાન કેન્દ્રની ૩૫ વર્ષની સેવાકીય કામગીરી અંગે જાણકારી આપતાં ડૉ.યઝદી ઇટાલીયા જણાવે છે કે, ૧૯૮૪માં સમાજસેવાના અભિગમથી પા-પા પગલી માંડી શરૂ કરેલી બ્લડબેંક વલસાડ રક્તદાન કેન્દ્ર આજે સમગ્ર વલસાડ અને ડાંગ જિલ્લાની રીજીયોનલ બેંક છે. જે અદ્યતન સામગ્રીથી સજ્જ અને આધુનિક ટેકનોલોજીના સથવારે ૧૦૦ ટકા કમ્પોનન્ટ યુનિટ સાથે વિશાળ વટવૃક્ષ બની રક્તદાન અને સંશોધન ક્ષેત્રે ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે, જેનો આનંદ અને ગૌરવ છે.
તા.૧૪મી ઓક્ટોબર ૧૯૮૪થી આજ સુધીની સાડાત્રણ દાયકાની આ સફર ભૂમિદાન આપનાર સહયોગી સંસ્થા આર.એન.સી. ફ્રી આઇ હોસ્પિટલ, બ્લડ કલેકશન અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર માટે દાનવીર શ્રેષ્ઠી સ્થાપક દાતા રણછોડજી નથ્થુભાઇ દેસાઇ અને પરિવાર, વર્ષ ૨૦૦૨માં કમ્પોનન્સ સેપરેશન યુનિટ માટે સહયોગ શેઠ બી.બી.શ્રોફ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક, વલસાડ રક્તદાન કેન્દ્રના આધુનિકરણમાટે માતબર દાન આપનારા પારસી સજજન સ્વ. જમશેદજી ગઝદર અને પરિવાર તથા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના અનુદાનથી સાધનસજ્જ વલસાડ અને ડાંગ જિલ્લાની રીજીયોનલ બ્લડ બેંક, શીરીન અને ગઝદર રીજીયોનલ બ્લડ સેન્ટરનો વર્ષ ૨૦૦૧માં ઉદય થયો.
સંસ્થા સૌના અવિરત સહયોગની કારણે જ સમગ્ર વલસાડ, ડાંગ અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામોના જરૂરિયાતમંદ દર્દીઓને સુરક્ષિત રક્ત અને રક્તઘટકો આપવા સક્ષમ બની છે. આ ભગીરથ કાર્યમાં નાના-મોટા દાન થકી કેટલાય નામી-અનામી દાતાઓના સહયોથી તથા રક્તનું અમૂલ્ય દાન આપનાર તમામ સ્વજન રક્તદાતાઓ અને રક્તદાન માટે પ્રોત્સાહિત કરી પ્રેરણા પૂરી પાડનારા તમા સ્વૈચ્છિક રક્તદાના શિબિર આયોજકો અને ૨૪ કલાક ૩૬૫ દિવસ જનસેવા એ જ પ્રભુસેવાને સાર્થ કરનાર તમામ સ્ટાફના સથવારે આ સફર સાકારિત થઇ શકી છે.
૧૯૮૪ થી ૨૦૧૯ એટલે કે ૩૫ વર્ષમાં ૩,૨૮,૩૧૨ પુરુષો અને ૨૨,૪૪૩ મહિલાઓ મળી કુલ ૩,૫૦૭૫૫ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાના મૂલ્યોને જાળવવામાં સહયોગ આપ્યો છે. જ્યારે ૩૫ વર્ષમાં ૩,૯૦,૮૫૦ જરૂરિયાતમંદ દર્દીઓને નિયત સમયે જરૂર મુજબ રક્ત અને રક્તઘટકો પૂરા પાડી શકી છે.
જે પૈકી ૯૧૬૭૦ (સરેરાશ ૨૪ ટકા) ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્ત વિતરણ કરી માનવતાના અભિગમથી અગણિત માનવ જિંદગીઓને બચાવવાનું કઠિત કાર્ય સુપેરે પાર પાડી શકવા બદલ સંસ્થા સૌની ઋણી છે. આ વિનામૂલ્યે રક્ત વિતરણમાં ૧૦ થી ૧૫ ટકા સગર્ભાસ્ત્રીઓ, વલસાડ અને નવસારી જિલ્લાના ચાર હજારથી વધુ સિકલ સેલ ડિસીઝ દર્દીઓ, ૬૦ કરતાં વધુ થેલેસેમિયાના દર્દીઓ, હિમોફિલિયા અને કિડનીના રોગોમાં નિયમિત રક્તની માંગને પૂર્ણ કરી મદદરૂપ થઇ શકયા છે, જેનો શ્રેય સૌ નિઃસ્વાર્થ અને સેવાભાવી સ્વૈચ્છિક રક્તદાતાઓને જાય છે.
સંસ્થામાં ૧.૩૫ લાખ રક્તદાતાઓનો ડેટાબેઝ ધરાવે છે. જે પૈકી ૪૬ હજાર રક્તદાતાઓએ ચારથી વધુ વખત નિયમિત રક્તદાન કર્યું છે, જ્યારે ૮૯ હજાર (૬૬ ટકા) રક્તદાતાઓ જરૂરિયાત મુજબ રક્તદાન કરી ૧૦૦ ટકા સ્વૈચ્છિક રક્તદાન થકી કોઇકને મદદરૂપ થઇ શકયા છે. જો આ ૬૬ ટકા રક્તદાતાઓ વર્ષમાં માત્ર બે વખત નિયમિત રક્તદાન કરે અને નિયમિતતા જાળવે તો કયારેય રક્તની અછત નહીં પડે અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી શકે.
૩૫ વર્ષની સફરમાં ૩૨૧૫ સ્વૈચ્છિક રક્તદાન શિબિર થકી ૧,૬૬,૭૮૩ રક્ત યુનિટ તથા છેલ્લા પાંચ વર્ષમાં રક્તદાન શિબિર થકી સરેરાશ ૫૦ ટકા રક્ત મેળવી શકયા છે, જેનો શ્રેય નિઃસ્વાર્થ સ્વૈચ્છિક રક્તદાન શિબિર આયોજકો અને રક્તદતાઓને જ આભારી છે.
સંસ્થા તમામ સહયોગીઓને નતમસ્તક વંદન કરી ભવિષ્યમાં પણ આ પ્રકારનો સહયોગ રક્તદાતાઓ તરફથી મળી રહેશે એવી અપેક્ષા સેવી આ કાર્ય વધુ કાર્યદક્ષતાથી નિભાવવા કટિબધ્ધ છે.