રાણીકી વાવને વિકસાવીને દુનિયામાં પ્રતિષ્ઠા વધારીશું : મુખ્યમંત્રી
પાટણ:પાટણ ખાતે રાણીકી વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ‘વિરાસત’ સંગીત સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાણીકી વાવને વિકસવવાની નેમ વ્યક્ત કરી હતી.
શિલ્પકળા અને સ્થાપત્યની દ્રષ્ટીએ બેનમૂન વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની અસ્મિતાને ઉજાગર કરવા પાટણની શેઠ એમ.એન. હાઈસ્કુલ ખાતે દ્વિ-દિવસીય સંગીત સમારોહ ‘વિરાસત’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘વિરાસત’ સંગીત સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભવ્ય રોશની દ્વારા સુશોભિત કરવામાં આવેલી રાણીકી વાવની મુલાકાત લીધી હતી.
વિશ્વ વિરાસતની મુલાકાત દરમ્યાન તેને વધુ વિકસાવી વિશ્વ સમક્ષ ગુજરાતની અસ્મિતા ઉજાગર કરવાની નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ રાણીકી વાવની વિઝીટર બુકમાં નોંધ્યું કે, “રાણીકી વાવ ગુજરાતની વિરાસત છે. હેરીટેજમાં દુનિયાએ સ્વિકૃતિ આપેલ છે ત્યારે ગુજરાત, ગુજરાતીઓ રાણકીવાવથી ગૌરવભેર આપણે વિશ્વમાં જે સમયે આપણા પૂર્વજોએ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિને દ્રશ્યમાન કરી દેખાડી તેનો આનંદ છે. ગુજરાત રાણકી વાવને વિકસાવીને દુનિયામાં પ્રતિષ્ઠા વધારીશું.”