Western Times News

Gujarati News

રાણીપ પાસે રૂ. ૪૯૦ કરોડના ખર્ચથી પીપીપી ધોરણે ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થશે

ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે

(દેવેન્દ્ર શાહ )અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે મંજૂર કરેલ રૂ.૯૬૮પ કરોડના બજેટમાં પીપીપી મોડેલ પર ખાસ ભાર મુકયો છે. મ્યુનિ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેનીસ કોર્ટ,  બગીચા, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ વગેરેને ખાનગી સંચાલકોને સોપવામાં આવશે. મ્યુનિ.શાસકોએ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના અંદાજપત્રમાં રાણીપ ખાતે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે જાહેરાત કરી હતી.


તેમજ નવા નાણાકીય વર્ષમાં વધુ ત્રણ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે પણ વચન આપવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં જે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે જાહેરાતો થઈ હતી. તેને હવે સ્માર્ટસીટી અંતર્ગત ડેવલપ કરવામાં આવશે. જેમાં પણ પીપીપી મોડેલને જ અપનાવવામાં આવ્યું છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે લગભગ ત્રણ વર્ષ અગાઉ એમટીએસ બજેટમાં શહેરના તમામ પ્રવેશદ્વાર પાસે જ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું.

જેમાં એસ.ટી. બસો માટે જે તે સીટી એન્ટ્રી પાસે જ બસ સ્ટેન્ડ તૈયાર કરવા અને નાગરીકો માટે અલગ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિ.વહીવટીતંત્ર અને શાસકપે આ દિશામાં કોઈ જ નકકર કાર્યવાહી કરી ન હતી તેમજ શહેરની મધ્યમાં આવેલ એસ.ટી. બસસ્ટેન્ડ ને ડેવલપ કરવાની સાથે-સાથે રાણીપ (આરટીઓ) પાસે પણ એસ.ટી. સ્ટેન્ડ બનાવ્યું છે.

જેના કારણે ટ્રાફિક સમસ્યા ઘટવાના બદલે વધી છે. એમટીએસ બજેટની સદ્દર ભલામણનો અમલ ન કરવાના માઠા પરીણામ મળ્યા બાદ શાસકપક્ષે ફરી એક વખત “યુ” ટર્ન કર્યો છે.તથા સીટી એન્ટ્રી (ટ્રાન્સપોર્ટ હબ) બનાવવા માટે જાહેરાત કરી છે. જયારે રાણીપ એસ.ટી. સ્ટેન્ડની ભુલ સુધારવા માટે આ તેની સામે જ નવા હબ બનાવવા માટે આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

રાણીપ (આરટીઓ) વિસ્તારમાં એસ.ટી. બસસ્ટેન્ડ પાસે કોર્પોરેશનની અંદાજે ર૭ હજાર ચોરસ મીટર જમીન પર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્માર્ટસીટી પ્રોજેકટ અંતર્ગત તૈયાર થનાર ટ્રાન્સપોર્ટ હબનો, પણ પીપીપી મોડેલ અંતર્ગત વિકાસ કરવામાં આવશે.

જેના માટે કન્સલટન્ટ ની નિમણુંક થઈ ગઈ છે. જયારે હબ ડેવલપમેન્ટ માટે બીડ મંગાવવામાં આવ્યા છે.  ટ્રાન્સપોર્ટ હબના બિલ્ડીંગ પ્રોજેકટ માટે રૂ.૪૯૦ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેનો ખર્ચ જે તે સંસ્થાના શિરે રહેશે. જેની સામે સંસ્થાને ૯૦ વર્ષના લીઝ પર જમીન આપવામાં આવશે તથા ચારની એફએસઆઈપણ મળશે. ટ્રાન્સપોર્ટ હબના પ્રથમ માળે પે એન્ડ પાર્ક તૈયાર કરવામાં આવશે.

પાર્કીગ સ્થળેથી રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડ સુધી સ્કાયવોક બનાવવામાં આવશે. જેમાં એક પાંખ જનમાર્ગ કોરીડોર તરફ અને બીજી પાંખ મેટ્રો રેલવે સ્ટેશન તરફ ઉતારવામાં આવશે. ટ્રાન્સપોર્ટ હબમાં ગ્રાઉન્ડ ફલોર પર જનમાર્ગ-એમટીએસનું બસ ટર્મીનલ તૈયાર કરવામાં આવશે. જયારે પ્રથમ માળે તૈયાર થનાર પાર્કીગમાં એક હજાર કાર પાર્ક થઈ શકશે.

પાર્કીગની ઉપર ૧૧ માળનું કોમર્શીયલ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે. જેના તમામ હકક ડેવલપર પાસે રહેશે. જેની સામે ડેવલપર્સને ૩પ વર્ષ સુધી ઓપરેશન-મેઈન્ટેનસની જવાબદારી આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ હબ ની જમીન પાસે આવેલ રેસ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન તોડી તેને પણ નવેસરથી બનાવવામાં આવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.