Western Times News

Gujarati News

રાત્રિ કરફ્યુ પણ ઉઠાવી લેવા સરકારની તૈયારી: લગ્નમાં મર્યાદા ૬૦૦થી ૮૦૦ની કરાશે

પ્રતિકાત્મક

ડિસે.માં વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમો ધ્યાનમાં રાખતા વધુ છૂટછાટો અપાશે

ગાંધીનગર, રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને બીજી તરફ લગ્નગાળો પુરજાેશમાં ચાલુ થયો છે ત્યારે સરકાર દ્વારા લગ્ન સહિતના સામાજિક સમારંભમાં હજુ ફકત ૪૦૦ની જ મર્યાદા રખાઈ છે તેના કારણે નાગરિકોમાં ભારે કચવાટ છે.

તે સાથે વાઈબ્રન્ટ સમિટ પૂર્વેના કાર્યક્રમો પણ ડિસેમ્બરમાં શરૂ થઈ રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા આ મર્યાદા વધારીને ૬૦૦ થી ૮૦૦ સુધીની કરી મંજૂરી આપવા તૈયારી શરૂ કરાઈ છે. તે સાથે રાત્રિ કરફ્યૂ પણ ઉઠાવી લેવાય તેવી સંભાવના છે.
એક તરફ ભાજપના સ્નેહ સંમેલનોમાં હજ્જારોની મેદની ઉમટતી હોય છે

અને પોલીસ કે તંત્ર કોઈ કાર્યવાહી કરતી નથી અને બીજી તરફ લગ્ન સહિતના સમારંભોમાં સંખ્યાની કડક મર્યાદા છે. હવે ગુજરાતમાં ત્રીજી લહેરની શક્યતા નહિવત્‌ થઈ રહી છે ત્યારે આરોગ્ય અને ગૃહ વિભાગ ટૂંક સમયમાં તમામ પાસાનો અભ્યાસ કરીને ડિસેમ્બરથી કોરોના નિયંત્રણમાં છૂટછાટ આપશે.

આ મુદ્દે મંત્રીઓને પણ અનેક રજૂઆતો નાગરિકો- ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી મળી છે. જેમાં લગ્ન અને સામાજિક સમારંભ માટે ૪૦૦ની મર્યાદા વધારીને ૬૦૦થી ૮૦૦ સુધીની કરવામાં આવી શકે છે. તે ઉપરાંત રાત્રિ કરફ્યૂ પણ ઉઠાવી લેવામાં આવશે.

૧ ડિસેમ્બરથી રાજયમાં વાઈબ્રન્ટને લગતા આગોતરા કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે તેમાં અન્ય રાજયમાંથી લોકો રાત્રિ દરમિયાન પણ મુસાફરી કરશે. તેમજ સેમિનાર વિગેરેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી શકે છે તે માટે પણ સરકારને છૂટછાટો આપવી પડે તેમ છે. બંને વિભાગ દ્વારા ચર્ચા બાદ ઉચ્ચ કક્ષાએથી મંજૂરી અપાશે તો ટૂંક સમયમાં આ છૂટછાટની જાહેરાત કરવામાં આવશે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.