રાત્રિ કર્ફ્યુના સમયે બહાર નીકળતા પતિ અને પત્ની બન્ને વિરુદ્ધ ફરિયાદ

Files Photo
અમદાવાદ, શહેરમાં ઘણાં એવા લોકો હોય છે જે રાત્રિ કર્ફ્યુના સમયે બહાર નીકળતા હોય છે. ખોખરા વિસ્તારની ૩૦ વર્ષીય મહિલા અને તેનો પતિ જ્યારે રાતના સમયે બહાર નીકળ્યા અને પોલીસ દ્વારા પતિની અટકાયત કરવામાં આવી તો રોષે ભરાયેલી મહિલાએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી.
તેણે પોલીસને ધમકી આપી હતી કે તે વીડિયો બનાવીને લોકોને જણાવશે કે પોલીસ સામાન્ય નાગરિકોને હેરાન કરી રહી છે. સરકારી કર્મચારીને તેની ફરજ કરવાથી રોકવાના ગુના હેઠળ પૂજા ઈટાન નામની આ મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે.
પૂજાના પતિ દિપક સામે આઈપીસીના સેક્શન ૧૮૮ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોતાની ફરિયાદમાં ખોખરાના પીએસઆઈ કે.ડી.હાદિયાએ જણાવ્યું કે, રાત્રિના સમયે બહાર હોવાને કારણે તેમણે સોમવારના રોજ કપલને રોક્યા હતા. પોલીસે તેમને રાત્રિ કર્ફ્યુના સમયે બહાર ફરવાનું કારણ પૂછ્યું પરંતુ તેમને સંતોષકારક જવાબ નહોતો મળ્યો.
પોલીસ દિપક વિરુદ્ધ કેસ લખવા લાગી તો પૂજા વચ્ચે પડી અને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગી. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ લોકોને હેરાન કરવા માટે ચાર રસ્તા પર ઉભી રહે છે. પોલીસ બીજા લોકોને કેમ નથી રોકતી અને અમને જ કેમ રોક્યા. મહિલા પોલીસ અધિકારી હર્ષા ધીરુ અને જાગૃતિ સુભાષે પૂજાને શાંત રહેવાની અપીલ કરી પરંતુ તેણે તેમના પર હુમલો કર્યો. જ્યારે મહિલા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો પૂજાએ વીડિયો શૂટ કરવાની ધમકી આપી.