રાત્રી બજાર બંધ કરાતા કેસ અને મૃત્યુઆંકમાં આશ્ચર્યજનક ઘટાડો
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી જતાં અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરના ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ દુકાનો અને બંજારો બંધ રાખવાનો આદેશ કરાયો હતો. જો કે આ ર્નિણયનો અમલ થતાં ગણતરીના દિવસોમાં જ અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. યુવાવર્ગે જે કોરોના સુપર સ્પ્રેડર બની ગયો હતો તેમાં પણ રાત્રે ફરવાનું વલણ બદલાયું છે, તો કોરોનાના સંક્રમણને જોતા વેપારીઓ અને ગ્રાહકો પણ નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩-૪ મહિનાથી અમદાવાદમાં કોરોના મહામારી અંકુશમાં આવી ગઈ હતી.
જો કે, લોકોની બેદરકારીને કારણે કોરોનાએ ફરીથી માથું ઉચક્યું હતું, અને શહેરના તમામ ઝોનમાં નવા કેસો વધવા લાગ્યા હતા. જેમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં તો કોરોના રોકેટગતિએ આગળ વધી રહ્યો હતો. રાત્રે ખાણી-પીણી બજાર અને જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન ન થતાં કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો હતો. જેથી કરીને શહેરના ૨૭ વિસ્તારોમાં દુકાનો અને બજારો રાત્રે ૧૦ વાગ્યા બાદ બંધ કરાવાનો ર્નિણય કર્યો હતો. કોરોનાના સંક્રમણને પગલે કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોનાનો ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. શુક્રવારે કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં અલગ-અલગ ટ્રેનોના ૯ મુસાફરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જેમાં રાજધાની એક્સપ્રેસના ૬, મુઝફ્ફરપુર એક્સપ્રેસનો એક અને ગોરખપુર એક્સપ્રેસના બે મુસાફરોનો સમાવેશ થાય છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ૬ દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈન જ્યારે બાકીના દર્દીઓને સાબરમતીના કોવિડ કેર સેન્ટર મોકલવામાં આવ્યા હતા. ગુજરાતમાં અમદાવાદ અને સુરત કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭૩ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા પણ વધારે છે. અમદાવાદમાં ૨૪૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં ૨૫ કેસ નોંધાયા છે અને ૧૮ દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.