રાત્રે રીક્ષામાં એકલી યુવતી જોઈને બેસવાની ભૂલ ના કરશો

પ્રતિકાત્મક
મુસાફરોને છરો બતાવી લુંટ કરતી બે યુવતીઓ સહીત પાંચ જણની રીક્ષા ગેંગ ઝડપાઈ
આરોપીઓએ બે મહીનામાં ૩૩ લુંટના ગુના કબુલતા પોલીસ પણ ચોંકી: ૮૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના કાલુપુર, ગીતામંદીર જેવા સ્થળોએથી મુસાફરોને રીક્ષામાં બેસાડ્યા બાદ અવાવરું સ્થળે લઈ જઈ છરી- ચાકુ જેવા હથિયાર બતાવીને કે માર મારી કરીને લુંટ ચલાવતી રીક્ષા ગેંગો હાલમાં ખુબ જ સક્રીય થઈ છે અને છાશવારે નાગરીકોને લુંટવાના બનાવો સામે આવતા રહે છે.
વાસણા વિસ્તારમાં પણ આવો કિસ્સો બન્યો છે જેમાં કાલુપુરથી મુસાફરને બેસાડી યુવતીઓ સહીતની રીક્ષા ગેંગે વાસણામાં અવાવરું સ્થળે મુસાફર પર છરી વડે હુમલો કરી લુંટ ચલાવી હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં તમામ લુંટારૂને ઝડપી લીધા છે ઉપરાંત ૩૩ અન્ય લુંટોના ભેદ પણ ઉકેલાયા છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મુળ ઉત્તરપ્રદેશના અને હાલમાં ન્યુ ફૈઝલનગર દાણીલીમડા ખાતે રહેતા મોહમદનુરાની ભાઈ મેરાજ અહમદખાન ડ્રાઈવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે ગઈ તા.ર૬ ઓગસ્ટે તે રાત્રે દોઢ વાગ્યાના સુમારે કાલુપુર રેલ્વે સ્ટેશને ઉતરી ઓટોરીક્ષામાં દાણીલીમડા જવા નીકળ્યા હતા.
આ રીક્ષામાં બે યુવતીઓ સહીત પાંચ વ્યક્તિ બેઠેલા હતા જે તેમને વાસણા ભાઠા ગામ તરફ લઈ ગયા હતા અને અંધારામાં રીક્ષા ઉભી રાખી રીક્ષા ડ્રાઈવરની બાજુમાં બેઠેલા જેડી નામના શખ્સે તેમના ગળાના ભાગે છરો મારવા આવતા ઝપાઝપીમાં મહમદનુરાનીને ગળા, છાતી અને હાથમાં ઈજાઓ થઈ હતી
દરમિયાન બંને યુવતીઓએ તેમના હાથ પકડી રાખતાં ત્રણેય શખ્સોએ તેમના ખિસ્સામાંથી રપ૦૦ની રોકડ સહીત દસ્તાવેજાે ભરેલુ પર્સ લુંટી પાંચેય ભાગી ગયા હતા. આ લુંટની ઘટના અંગે તેમણે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
અને રીક્ષામાં મુસાફરી દરમિયાન આરોપીઓના નામ સાહીલ, જેડીતથા પ્રિયા સાંભળવા મળતાં તે પણ પોલીસને ડી સ્ટાફ જણાવ્યું હતું જે સંદર્ભે પીએસઆઈ પીએચ જાડેજાની ટીમ તપાસ ચલાવી રહી હતી એ દરમિયાન તેમની ટીમે બાતમીને આધારે શાસ્ત્રીનગર બ્રીજ ખાતેથી રીક્ષા કોર્ડન કરી હતી.
જેમાંથી (૧) રીક્ષા ડ્રાઈવર સાહીલ ઈમ્તીયાઝભાઈ શેખ (ર૦) રહે. રહેમાન મુલ્લાના મકાનમાં, સોનલ ચોકીની ગલીમાં, જુહાપુરા (ર) જયેશ ઉર્ફે જેડી રમેશભાઈ વાઘેલા (રપ) રહે. હાલ યોગેશ્વરનગર ગુપ્તાનગર ખાડામાં, મુળ રાજીવનગર, સેટેલાઈટ (૩) ભાવેશ ઉર્ફે ભાવો ભરતભાઈ સરગરા (૧૮) ગંગાવાસની ચાલી, ગુપ્તાનગર, વાસણા (૪) પ્રિયંકા ઉર્ફે પ્રિયા દંતાણી (ભવાનીનગર, વાસણા) તથા મુળ મહેસાણા અને હાલમાં પાલડી બસ સ્ટેન્ડ પર ફુટપાથ પર રહેતી સત્તર વર્ષીય કિશોરી પકડાયા હતા.
પોલીસે તમામની અટક કરી તપાસ કરતાં મહોમદ નુરાનીના ફોન દસ્તાવેજાે ઉપરાંત અન્ય એક ફોન, છરો સહીત ૮૬ હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. કડક પુછપરછમાં આ તમામ આરોપીઓ છેલ્લા બે માસમાં છરા બતાવી કુલ ૩૩ લુંટ આચરી હોવાનું કબુલ કરતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી આરોપી સાહીલ તથા જયેશ ઉર્ફે જેડી અગાઉ ચોરીના ગુનામાં પકડાઈ ચુકેલા છે.
બંને યુવતીઓ સહીત પાંચેય આરોપીઓ સાહીલની રીક્ષામાં અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાં ફરતા અને એકલ-દોકલ મુસાફરને રીક્ષામાં બેસાડયા બાદ અવાવરુ સ્થળે લઈ જઈ જેડી છરો બતાવીને મુસાફરોને ધમકાવી રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરી તમામ રફુચકકર થઈ જતા હતા વાસણા પોલીસે તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જયારે કિશોરીને તેની માતા પિતાને સોંપવામાં આવી છે.