રાત દિવસ કામ કરતા ૨૫ ફ્રન્ટલાઇન વોરિયર્સમાંથી માત્ર ચાર લોકોને સહાય મળી
સુરત મપામાં આશરે ૨૨ હજાર જેટલા કર્મીઓ, કામદાર ભાઈ બહેનોએ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવી છે
સુરત, કોરોનાકાળમાં અનેક સરકારી કર્મચારીઓએ દિવસ-રાત પોતાની ફરજ બજાવી છે. ત્યારે કોરોના ફેઝ ૧માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૫ જેટલા કર્મચારીઓએ કોરોનાનને કારણે જીવ ગુમાવ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આઠ મહિના વીતી ગયા છતાં સરકારના વાયદા મુજબ તેમાંથી માત્ર ૪ કર્મચારીઓના પરિવારને જ સહાય મળી છે.
બાકીના પરિવારજનો સહાયની રાહ જાેઈ રહ્યા છે અને સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ કરુણા ને કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારજનોને આર્થિક સહાય કરવાના અલગ અલગ વાયદા કર્યા હતા. જાેકે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હજી પણ વંચિત છે.
સુરત મહાનગરપાલિકામાં આશરે ૨૨ હજાર જેટલા કર્મચારીઓ અને કામદાર ભાઈબહેનોએ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવી છે. જેમાંથી ફેઝ ૧માં ૨૫ અને ફેઝ બે માં ૧૯ જેટલા કર્મીઓના મૃત્યુ થયા છે. ફેઝ ૧ના જેમાંથી હજી મોટેભાગના કર્મચારીઓના પરિવારજનો સહાયથી વંચિત હોવાનો પરિવરજનો આક્ષેપ કરી રહ્યા છે.
અમિત સંજય સોનવણેએ જણાવ્યું હતું કે, મારા પિતા ૨૯ વર્ષથી ફાયર ઓફિસર હતા. કોરોના દર્દીઓના વિસ્તારમાં ઓફીસ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્સ સેનેટાઈઝ કરવા જતાં હતાં. ૮ દિવસ સિવિલમાં સારવાર મેળવ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. મારા પિતા ઘરે આવ્યા વગર ત્યાં જે મળતું તે જમીને ૨૪ કલાક કામ કરતા હતા.
ગુજરાત સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાના કારણે મૃત્યુ બાદ સહાય કરવાના વાયદા કરવામાં આવ્યા હતા. અમને આઠ મહિનાથી કોઈ સહાય મળી નથી. અનેકવાર ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઘરના વડીલ તરીકે કોઈ રહ્યું નથી ઓછા પગારે ઘર ચલાવવું અઘરું છે.
અમારી સરકારને અપીલ છે કે વહેલામાં વહેલી તકે અમને સહાય મળે. સુરત સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ મોહંમદ ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, ૨૨ હજાર કર્મચારીઓ માંથી ૧૫ મહિનાના આ સમયગાળામાં ૨૫૦૦ જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા છે. કહેતા દુઃખ થાય છે કે આમાંથી ૪૪ સાથી કર્મચારીઓના મૃત્યુ થયા છે. સરકારે ૫૦ લાખની વીમા સહાયની રકમ આપવાની વાત કરી હતી અને રાજ્ય સરકારે કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારને ૨૫ લાખની સહાય કરવામાં આવશે.