Western Times News

Gujarati News

રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં કોઈપણ વ્યક્તિ શસ્ત્રો કે હથિયારો લઈ જઈ કે ફરી શકશે નહીં

પાટણ: પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા આગામી ૨૧ ઓક્ટોબરના રોજ યોજાનાર ૧૬-રાધનપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલ સબંધે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો પરવાનો ધરાવતા વ્યક્તિઓએ શસ્ત્રો કે હથિયારો લઈ જવા પર નિયંત્રણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નશીલ છે તેમ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈ વ્યક્તિને અડચણ, ત્રાસ કે નુકશાન અથવા લોકોના જાન, સ્વાસ્થ્ય કે સલામતીને થતું જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે જાહેરમાં શસ્ત્રો કે હથિયારો લઈને ફરવા પર નિયંત્રણ મુકવા ક્રિમીનલ પ્રોસીજર કોડ- ૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ રાધનપુર વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં સમાવિષ્ટ સમગ્ર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિ પરવાનો ધરાવતી હશે તો પણ તેની સાથે શસ્ત્રો કે હથિયારો લઈ જઈ કે ફરી શકશે નહીં.

સરકારી નોકરીનું કામકાજ કરતી કોઈ વ્યક્તિ તેની ફરજના ભાગ રૂપે તેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા તેવું હથિયાર લઈ જવાની ફરજ હોય તેવી વ્યક્તિઓને આ હુકમ લાગું પડશે નહીં.   આ હુકમ તા.૨૪/૧૦/૧૯ના રોજ મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી અમલી રહેશે. જેના ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.