રાધિકા જીમખાના ફાયરીંગ કેસનો પેરોલ જમ્પ કરનાર લતીફ ગેંગનો સભ્ય પકડાયો
(સારથી એમ.સાગર)અમદાવાદ, પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતાં પેરોલ જમ્પ કરનાર આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જેનાં અંતર્ગત કેટલાંય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. શહેર ક્રાઈમ બ્રાંચે વધુ એક પેરોલ જમ્પ આરોપી અને લતીફ ગેંગનાં સભ્યને ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ પી.બી.દેસાઈની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આજીવન કેદની સજા પામેલો પેરોલ જમ્પ કરનાર આરોપી મોહમંદ ઉંમર ફાઈટર પઠાણ (૬૧), રહે.મહેબુબ બિલ્ડિંગ, ગોમતીપુર અને તુબા ડુપલેક્ષ, સૈયદવાડી, વટવા, પોતાનાં વટવા ખાતેનાં મકાનમાં હાજર હોવાની બાતમી મળી હતી જેને આધારે મોહમંદ ઉંમરને ઝડપી લઈને સાબરમતી જેલમાં મોકલવા તજવીજ કરાઈ છે.
ઉંમરને માર્ચ-૨૦૨૧માં ૪૦ દિવસની પેરોલ રજા મળી હતી. જેમાં વધારો કરાતાં ૩૦ જુલાઈએ સાબરમતી જેલમાં પરત હાજર થવાનું હતું. જાે કે તે હાજર થયો નહતો.
અત્રે નોંધનીય છે કે ઉંમર ઉર્ફે ફાઈટરે એલીસબ્રીજ ખાતે પૂર્વ સાંસદ રઉફવલી ઉલ્લાહનું ખુન કર્યું હતું. જેમાં આજીવન કેદની સજા થઈ હતી. ઉપરાંત તે બાબરી ધ્વંસની ધમાલ તથા લતીફનાં શાર્પ શૂટર શરીફખાન પઠાણને જાપ્તામાંથી ભગાડવાનાં કેસમાં અને સન ૧૯૯૨નાં રાધીકા જીમખાના ફાયરીંગ કેસમાં પકડાઈ ચૂક્યો છે.