રાફેલ કરતાં પણ ગુજરાતનું પાક વિમા કાંડ મોટુ : કોંગ્રેસ
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં પાક વીમા કૌભાંડ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમ્યાન ખેડૂત નેતા પાલ આંબલિયા પણ હાજર હતા જેમણે કેટલાક ચોક્કસ ગણિતના આધારે ગણાતા પાક વીમાની રકમમાં ખેડૂતોને ખરેખર ૯૧.૫૫ ટકા જેટલો પાક વીમો મળવો જોઈએ પરંતુ તેની સામે માત્ર ૧.૪૮ ટકા મળતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તો, કોંગ્રેસે રાફેલ કરતાં પણ ગુજરાતનું પાક વીમા કૌભાંડ બહુ મોટુ હોવાના ગંભીર આરોપ લગાવતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું હતું.
પાલ આંબલિયાએ પાક વીમાનું ગણિત સમજાવતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની કલમમાં સ્પષ્ટ જોગવાઇઓ છે. જેમાં એપમાં ઘણી વસ્તુઓ અપલોડ કરવામાં આવે છે. પરંતુ હાલ આ એપને બાજુ પર મુકી દેવામાં આવી છે.
જો ખેતીનાં આંકડા આમાંથી લેવામાં આવે તો સ્પષ્ટ આંકડા મળે પરંતુ એપને બાજુમાં મુકતા તેમાંથી કોઇ આંકડા સ્પષ્ટ થતા નથી. જેથી તાલુકા અને જિલ્લા કક્ષાનાં માધ્યમથી આંકડા મંગાવે છે અને તેમાં ઘણી જ ગેરરીતિઓ થાય છે.
આ અંગેની માહિતી માટે તેમણે આરટીઆઈ કરી હતી અને તેમાં તેમને જવાબ એવો મળ્યો કે, આ તો દેશની અખંડિતતા અને દેશની સલામતી તથા સાર્વભૌમત્વને અસર કરે છે તેથી પાક વીમાનો હિસાબ જહેર કરાતો નથી. ખેડૂતોને આટલા મોટા માર્જીનનો ડિફરન્સ મળતો જ નથી જેથી જા આવા હિસાબની ખેડૂતોને ખબર પડી જાય તો સરકારની શું હાલત થાય?
દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાકવીમામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા જણાવ્યું કે, ખેડૂતોના પાકવીમામાં રૂ.૨૫થી ૫૦ હજાર કરોડના કૌભાંડ થયો છે. વીમા કંપનીઓ ખેડૂતો સાથે ગોલમાલ કરે છે.
પાક વીમામાં હેક્ટરદીઠ ૬૧ હજારની ગોલમાલ થઈ હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. જેના કારણે આખા રાજ્યમાં વીમા કંપનીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું કોંગ્રેસ જણાવી રહી છે. કોંગ્રેસે કહ્યું કે, પાક વીમા પ્રક્રિયામાં પારદર્શિતા રખાતી નથી. આંકડામાં ફેરબદલ કરીને કૌભાંડ આચર્યું છે.