રાફેલ સોદામાં મોદી સામે કેસ ચલાવવા સુપ્રીમમાં PIL

File
અરજદાર દ્વારા કથિત ભારતીય વચેટિયા સુશેન ગુપ્તા સામે પણ આવા કેસ નોંધવાની, સીબીઆઈ તપાસની માગણી
નવી દિલ્હી, રાફેલ ડીલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કેસ ચલાવવાને લઈ સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ (જનહિત અરજી) દાખલ કરવામાં આવી છે. મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કથિત ભારતીય વચેટિયા સુશેન ગુપ્તા વિરૂદ્ધ પણ આવા જ કેસ નોંધવાની માંગણી કરવામાં આવી છે. શર્માએ કોર્ટની દેખરેખમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
આ મામલે કોર્ટ બે સપ્તાહ બાદ સુનાવણી કરશે. મનોહર લાલે ૬ એપ્રિલના રોજ આ અરજી કરી હતી અને રવિવારે તેને સાર્વજનિક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાંસના મીડિયા પોર્ટલે એવો દાવો કર્યો હતો કે, ભારતના ઈડીએ સુશેન ગુપ્તા નામના એક દલાલને દસો અને તેની સહાયક કંપનીઓ દ્વારા જે રકમ આપવામાં આવી હતી તેની તપાસ નથી કરી.
પોર્ટલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ગુપ્તાએ સંરક્ષણ મંત્રાલય પાસેથી મહત્વપૂર્ણ દસ્તાવેજાે મેળવી લીધા હતા અને તેને દસો એવિએશનને સોંપી દીધા હતા. જેનાથી ભારતની ગુપ્ત નીતિઓ કંપની સામે ખુલ્લી પડી ગઈ હતી. ગુપ્તાએ જે કામ કર્યું તેના કારણે કંપનીને રાફેલ જેટ વેચવામાં મદદ મળી હતી.