રામકૃષ્ણ મિશન 1લી મે,2022 ના રોજ 125માં વર્ષમાં પ્રવેશ કરશે

સ્વામી વિવેકાનંદે ઇ.સ.૧૮૯૩માં અમેરિકા ખાતે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં ભારતીય અને સનાતન સંસ્કૃતિનાં યશોગાન ગાતાં ભાષણો આપીને ‘સાયકલોનિક મંક ઓફ ઇન્ડિયા’ પુરવાર થયા હતા.
ત્યાં લગાતાર ચાર વર્ષ સુધી વેદાંતનાં મૂલ્યોને એમણે પશ્ચિમનાં નરનારીઓને સમક્ષ સમજાવીને ભૌતિક જીવનદિ્ષ્ટની અપેક્ષાએ આધ્યાત્મિક જીવનદિ્ષ્ટ તરફ અભિમુખ કરી દીધાં હતાં અને આપણા ઋષિમુનિઓની દિવ્યવાણી ગુંજતી કરી દીધી હતી.
એમણે અનુભવેલી અસહ્ય વિડંબના એ પણ હતી કે ભારત પ્રજ્ઞાસમૃધ્ધ હોવા છતાં સામાન્યજન દુઃખી કેમ ? આનો જવાબ એમને વિદેશપ્રવાસમાંથી મળ્યો હતો અને એ હતો ‘સંગઠન’.(ઓરગેનાઇઝેશન).
સ્વામી વિવેકાનંદે પ્રત્યક્ષ જાેયું હતું કે એમના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવે સનાતન હિન્દુધર્મના સંપ્રદાયોની સાધના કરી હતી ને એક જ સત્યનું-ઈશ્વરનું દર્શન કર્યું હતું. ધર્મમતોમાં વૈમનસ્ય હોતું જ નથી એ આ રામકૃષ્ણે જાતે જ પ્રમાણિત કર્યું હતું.
તારીખ ૧/૫/૧૮૯૭ના રોજ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણદેવે આપેલાં નવદર્શનને નવા યુગ માટે દીવાદાંડીરૂપ બનવા એક સંગઠન રચવા ગૃહસ્થો અને સંન્યાસી શિષ્યોને સાથે મળીને અનુરોધ કર્યો હતો અને ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી.
ભગિની નિવેદિતાએ કહયું હતું કે ‘પાંચ હજાર વર્ષથી સાધના કરતા ઋષિમુનિઓને લાધતું સત્ય રામકૃષ્ણને પચાસ વર્ષનાં જીવનમાં જ જડયું હતું એ સત્ય થકી વિશ્વનું કલ્યાણ થશે એમ વિવેકાનંદ જાણતા હતા.’
‘આત્માની મુક્તિ અને જગતનું કલ્યાણ’ એમ દ્વિપરિમાણિય આદર્શોને વરેલું આ મિશન આજે દેશવિદેશમાં ૨૬૫ જેટલાં શાખાકેન્દ્રો ધરાવે છે જેનું વડું મથક પશ્ચિમ બંગાળમાં બેલૂર મઠ ખાતે આવેલું છે.ભારતમાં ૧૯૭ અને વિદેશમાં ૬૮ જેટલી શાખાઓમાં પ્રસરેલું રામકૃષ્ણ મિશન ‘શિવભાવે જીવસેવા’ના ભાવથી વિશ્વભરમાં લોકોનાં કલ્યાણ અને ઉત્કર્ષ માટે નાત,જાત કે ધર્મના ભેદભાવ વગર અવિરત સેવાકાર્યો તમામ અને વિવિધ સ્તરે કરી રહયું છે.
ગુજરાત રાજ્યમાં પણ રાજકોટ,લીંબડી,પોરબંદર,વડોદરા ખાતે આ મિશનની શાખાઓ છે અને ઉચ્ચતર જીવન જીવવાની પ્રેરણા સેવાકાર્યો સાથે આપી રહયું છે. સંન્યાસીઓનાં નેતૃત્ત્વમાં આ મિશન ઉપરાંત ‘રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ’ નાં માર્ગદર્શન હેઠળ ભારતભરમાં અંદાજે એક હજાર જેટલાં કેન્દ્રોનું ભક્તો અને શુભેચ્છકો દ્વારા સંચાલન થાય છે.
અમદાવાદ ઘણાં વર્ષોથી પ્રતિક્ષા કરી રહયું હતું ત્યાં પણ વિધિવત આ સંસ્થાનું નક્કર નિર્માણ હવે સાણંદ તાલુકા લેખંબા ગામમાં થવા જઇ રહયું છે. રાષ્ટ્રનાં નિર્માણમાં જે સંસ્થાનું પ્રત્યક્ષ કે પરોક્ષ મહામૂલું યોગદાન પ્રારંભથી જ છે એનાં સવાસોમાં વર્ષને આજના દિને આપણે સહુ વધાવી લઇએ ને સ્વામીજીનાં સ્વપ્નાનાં ભારતને સાકાર કરીએ એજ શુભ ભાવ પ્રગટ કરીએ.