રામજી મંદિર ખાતે હરિચરણ દાસજી મહારાજ બ્રહ્મલીન થયા
રાજકોટ, ગોંડલ રામજી મંદિર ખાતે હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ગોંડલ આશ્રમ ખાતે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હરી ચરણદાસજી મહારાજે અંતિમ શ્વાસ લેતા રઘુવંશી સમાજ સહિતના સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. થોડા સમય પહેલાં જ બાપુને સો વર્ષ સોમો જન્મદિન હતો. સો વર્ષના શતાબ્દી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
આવતીકાલે ગોરા આશ્રમ ખાતે બાપુની અંતિમવિધિ કરવામાં આવશે. ગત સપ્તાહે ગોરા આશ્રમથી હરિચરણદાસજી મહારાજ ગોંડલ પધાર્યા હતા. ગોંડલ આશ્રમ ખાતે તેમના રૂમમાં જ આઇસીયુ યુનિટ ઉભો કરવામાં આવ્યો હતો ગોંડલ આશ્રમ ખાતે તેમના દીર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. હરિચરણદાસજી મહારાજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સહિતના વ્યક્તિઓના ગુરુ છે.
સાંજે ચાર વાગ્યા સુધી ભક્તો ગોંડલ ખાતે અંતિમ દર્શન કરી શકશે. હરિચરણદાસજી મહારાજનું જીવન ભક્તિની સાથોસાથ લોક સેવાના કાર્યોમાં પણ જાેડાયેલું હતું. ગોંડલ આશ્રમની બાજુમાં જ તેમણે હોસ્પિટલ બનાવડાવી હતી. ગત સપ્તાહે હરિચરણદાસજી મહારાજના અનન્ય સેવકે પણ દેહ ત્યાગ કર્યો હતો.
હનુમાનજીના પરમ ઉપાસક ત્યાગી સીતારામ બાપુએ દેહ ત્યાગ કર્યો હતો. નર્મદાના કિનારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યાગીજી સીતારામદાસજી મહારાજ છેલ્લા ૨૫ વર્ષોથી હરિચરણદાસજી બાપુ સાથે રહેતા હતા. પૂ.ત્યાગીજી મહારાજે ગત સપ્તાહે સવારે સાડા ત્રણથી ૪ વાગ્યાની વચ્ચે ગોરા આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
દેહ ત્યાગના બે-ત્રણ દિવસ પ્રુવે ત્યાગીજી મહારાજે હરિચરણદાસજી મહારાજને કહ્યું હતું કે, હું જાઉં છું. તો સાથે જ ૧૦૮ કુંડી રામયજ્ઞ ગોંડલમાં કરાવવાની વાત હરિચરણદાસજી મહારાજને કરી હતી. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા હરિચરણદાસ બાપુ પર અનન્ય શ્રધ્ધા ધરાવે છે.
ચેતેશ્વર પુજારા ગોંડલના રામજી મંદિરની મુલાકાત લઇને તેમના આશીર્વાદ લે છે. ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ ૧૯૫૪માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી.
ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે. ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ચાલે છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાપુએ સેવા પ્રસરાવી છે.
પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં એક બ્રાહ્મણ કુળમાં થયો હતો. કહેવાય છે કે, પુત્રનાં લક્ષણ પારણાંમાં એમ ગુરુદેવને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી ગૃહત્યાગ ખૂબ નાની વયે જ કર્યો હતો.
૧૯૪૬માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ. ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત જે ગુરુદેવ રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.
હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે. જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, આંખનાં મોતિયાનું ઓપરેશન લેન્સ સાથે તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિક્સ, સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથી, પથરી તેમજ શરીરમાં નાની મોટી ગાંઠના ઓપરેશન તદ્દન ફ્રી કરી દેવામાં આવે છે.
સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે, સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રુટ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ, મચ્છરદાની આપવામાં આવે છે. બાળકોના વિભાગમાં કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જાેગવાઇ છે. આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિશુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે. તેમજ આંખનાં ૫૦ હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.
કોરોના કાળમાં બીજી લહેર દરમ્યાન ઓક્સિજનના લીધે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગોંડલ શ્રી રામ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની કટોકટી ન સર્જાય તે માટે પ.પૂ. હરિચરણદાસજી મહારાજની પ્રેરણા અને દાતાશ્રીના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાઈ છે.
૫૦૦ લીટરની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ લોકાર્પણ કરાયું હતું. આ તકે શ્રી રામ હોસ્પિટલ ગોંડલ ખાતે પ.પૂ. હરિચરણદાસ બાપુ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ તકે ભુવનેશ્વરી મંદીરના મહંત ઘનશ્યામ મહારાજ, રામજીમંદીર ના ટ્રસ્ટીશ્રીઓ, ગણેશભાઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.SSS