રામના નામે સત્તા મેળવનાર ભાજપ જુલ્મ કરે છે : ટિકૈત
નવી દિલ્હી: ખેડૂત આંદોલન શરુ થયા બાદ અયોધ્યા પહોંચેલા ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સરકાર લાંબુ ખેંચવા માંગતી હોય તો અમને કોઈ વાંધો નથી.
ટિકૈતે કહ્યુ હતુ કે, અમે અમારા અંતિમ શ્વાસ સુધી લડાઈ લડવા માટે તૈયાર છીએ. હવે લોકો વચ્ચે જઈને અમે સરકારની કથની અને કરનીમાં જે ફરક છે તેની જાણકારી આપીશું.
તેમણે દાવો કર્યો હતો કે, ભગવાન રામ અમારા પૂર્વજ છે અને હું પહેલી વખત અયોધ્યા આવ્યો છું.સરકાર નવા કૃષિ કાયદા પાછા લે તેવી અમારી માંગ યથાવત છે.ભગવાન રામના નામ પર સત્તા મેળવનાર ભાજપ ભગવાન રામના વંશજાે પર જુલ્મ કરી રહી છે.
ટિકૈતે અયોધ્યામાં બજરંગબલીના મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ પણ લીધા હતા અને એ પછી રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામના દર્શન કરીને કહ્યુ હતુ કે, ભગવાન રામ પીએમ મોદીને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે.
તેમણે કહ્યુ હતુ કે, જે ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે તે ખેડૂતો માટે છે અને અમે કોઈ રાજકીય પાર્ટીનુ સમર્થન કરી રહ્યા નથી.અમારી એક જ માંગણી છે કે, સરકાર કૃષિ કાયદાને પાછા લે.ખેડૂતો કાયદામાં સંશોધનની માંગ કરી રહ્યા છે, વાટાઘાટો માટે પણ તૈયાર છે પણ સરકાર ખેડૂતોને લઈને ગંભીર નથી.