રામમંદિરની ૨૦૦૦ ફૂટ નીચે ટાઈમ કેપ્સૂલ મૂકાશે
ભવિષ્યમાં કોઈ પણ રામમંદિરના ઇતિહાસનો સ્ટડી કરવા ઈચ્છશે તો તેને રામ મંદિરથી સંલગ્ન તથ્યો મળી જશે
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરની જવાબદારી સંભાળી રહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે રામ મંદિરના હજારો ફૂટ નીચે એક ટાઈમ કેપ્સૂલ દબાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં મંદિર સંલગ્ન તથ્યોને લઈને કોઇ વિવાદ રહે નહીં. આ કેપ્સૂલમાં મંદિરના ઇતિહાસ અને તેને સંલગ્ન તથ્યો અંગેની જાણકારી હશે. કામેશ્વર ચોપાલે જણાવ્યું કે, રામમંદિરને ચાલી રહેલા સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સંઘર્ષની વર્તમાનની અને આવનારી પેઢીને એક શીખ આપી છે.
રામ મંદિર નિર્માણ સ્થળના ૨૦૦૦ ફૂટ નીચે એક ટાઈમ કેપ્સૂલ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ રામમંદિરના ઇતિહાસનો સ્ટડી કરવા ઈચ્છશે તો તેને રામ મંદિરથી સંલગ્ન તથ્યો મળી જશે અને તેનાથી કોઈ નવો વિવાદ પેદા થશે નહીં. તેમણે જણાવ્યું કે કેપ્સૂલને એક તામ્રપત્રની અંદર રાખવામાં આવશે. ટ્ર્સ્ટમાં એક માત્ર દલિત સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે પાંચ ઓગષ્ટે થનાર ભૂમિ પૂજન માટે દેશની કેટલીયે એવી પવિત્ર નદીઓથી, જ્યાં માનવામાં આવે છે કે ભગવાન રામના ચરણ પડ્યા હતા, જળ અને કેટલાક તીર્થસ્થળોથી માટી લાવવામાં આવશે.
પવિત્ર જળથી ભૂમિ પૂજન દરમિયાન અભિષેક કરાશે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના કહેવા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પાંચમી ઓગષ્ટે ભૂમિપૂજન કરશે અને શિલારોપણ કરશે. કહેવાઈ રહ્યું છે કે આ સમારોહમાં કેટલાય રાજ્યોના મુખ્યમંત્રી,કેબિનેટ મંત્રીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂમિપૂજનને દીવાળીની જેમ ઉજવાશે.
આ દિવસે આખા દેશના તમામ ઘરો અને મંદિરોને દીવડાં અને મીણબત્તીઓથી ઝળહળાટ કરવાનું આયોજન છે. ટ્રસ્ટે ગત સપ્તાહે પોતાની બીજી બેઠક બોલાવી હતી. આ વર્ષે માર્ચમાં રામ લલાની મૂર્તિને એક અસ્થાયી જગ્યા પર શિફ્ટ કરી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષ ૯મી નવેમ્બરે કેન્દ્ર સરકારને આ જમીન નિર્માણ આપવા કહ્યું હતું, તેની જવાબદારી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામમંદિરને લઈને બે સમુદાયો વચ્ચે કેટલાય વર્ષોથી વિવાદ ચાલતો હતો, આ વિવાદ ગત વર્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉકેલાયો છે, જેના કારણે રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે.