રામમંદિરનું બાંધકામ ત્રણ-સાડા ત્રણ વર્ષ સુધી ચાલશે
મંદિરમાં લોખંડનો ઉપયોગ નહીં કરવાનો ર્નિણય- -ભૂકંપ-તોફાનથી બચાવવા પરંપરાગત ટેકનિકથી નિર્માણ કરાશેઃ પથ્થરને જોડવા માટે તાંબાના પતરાં કામમાં લેવાશે
અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું બાંધકામ ત્રણેક વર્ષ સુધી ચાલશે. મંદિરના બાંધકામમાં લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ હતી જેમાં ટ્રસ્ટે કહ્યું હતું કે, મંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે. ૩૬-૪૦ મહિના એટલે કે લગભગ સાડા ત્રણ વર્ષમાં કામ પુરુ થાય તેવી આશા છે. એન્જિનીયર્સ મંદિરની સાઈટ પર માટીની તપાસ કરી રહ્યા છે.
ટ્ર્સ્ટના જણાવ્યા પ્રમાણે ભૂકંપ અને તોફાનથી બચાવવા માટે મંદિરમાં પરંપરાગત ટેકનીકથી નિર્માણ કરાશે. પથ્થરને જોડવા માટે તાંબાના એક હજાર પતરાં કામમાં લેવાશે. તાંબાના પતરા આપનાર પરિવાર, વિસ્તાર અથવા મંદિરનું નામ પતરાં પર લખાવી શકશે. મંદિર નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહીં કરવામાં આવે. ટ્રસ્ટનું કહેવું છે કે મંદિર નિર્માણમાં દેશના પ્રાચીન અને પરંપરાગત ટેકનીકનો ઉપયોગ કરાશે. જેથી ભૂકંપ, તોફાન અને બીજી આપદાઓથી કોઈ નુકસાન નહીં થાય. કન્સ્ટ્રક્શનમાં લાગતા પથ્થરોને જોડવા માટે તાંબાના પતરાંઓનો ઉપયોગ કરાશે.
જેના માટે ૧૮ ઈંચ લાંબા, ૩ મિલીમીટર ઊંડી અને ૩૦ મિલીમીટર પહોંળાઈના ૧૦ હજાર પતરાંની જરૂર પડશે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, ભક્તોને તાંબાના પતરાં દાન કરવાની અપીલ કરવામાં આવી છે. દાન આપનાર વ્યક્તિ આ પતરાં પર પોતાના પરિવાર, વિસ્તાર અથવા મંદિરોનું નામ મઢાવી શકે છે. આ પ્રકારના તાંબાના પતરાં માત્ર દેશની એકતાનું ઉદાહરણ જ નહીં, પણ મંદિર નિર્માણમાં આખા દેશના યોગદાનનો પુરાવો પણ આપશે. SSS