રામલલ્લા ૨૧ કિલો ચાંદીના ભવ્ય ઝુલામાં બિરાજમાન થશે
અયોધ્યા: રામલલ્લા પહેલી વખત શ્રાવણ માસમાં ચાંદીના હિંચકા પર બિરાજશે. ટ્રસ્ટ દ્વારા કામચલાઉ મંદિરમાં બિરાજમાન રામલલ્લા માટે ૨૧ કિલો વજનનો ચાંદીનો હિંચકો બનાવડાવવામાં આવ્યો છે. કામચલાઉ રામ મંદિરમાં પાંચમથી રામલલ્લાના હિંડોળાના ઉત્સવના શ્રીગણેશ કરવામાં આવશે.ટેન્ટમાંથી બહાર નીકળીને કામચલાઉ મંદિરમાં બિરાજમાન થવા છતાં રામલલ્લા હજુ સુધી હિંડોળાત્સવથી વંચિત હતા.
જાેકે આ વખતે પહેલી વખત રામલલ્લાના દરબારમાં પારણા ઉત્સવની ધૂમ મચશે. ભગવાન શ્રી રામલલ્લા શ્રાવણ શુક્લ પક્ષ પંચમીથી ચાંદીના પારણામાં ઝુલશે. આ માટે ૫ ફૂટ ઉંચો અને ૨૧ કિલો ચાંદીનો વિશેષ આકર્ષક હિંચકો પરિસરમાં પહોંચી ગયો છે.
શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં શ્રાવણ માસની પંચમી તિથિથી શ્રાવણ ઝુલા ઉત્સવની પરંપરા છે. જાેકે અયોધ્યાના તમામ મઠ મંદિરમાં તૃતીયાથી જ હિંડોળા ઉત્સવ શરૂ થઈ ગયો છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સદસ્ય ડૉક્ટર અનિલ મિશ્રાના કહેવા પ્રમાણે રામ જન્મભૂમિમાં પણ શ્રી રામલલ્લાનો હિંડોળાત્સવ પંચમીથી ઉજવાશે. આ માટે ચાંદીનો હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે જેના પર પંચમી તિથિએ રામલલ્લા પોતાના ભાઈઓ સાથે બિરાજમાન થશે અને વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના સાથે ઉત્સવના શ્રીગણેશ કરવામાં આવશે.