રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ: પૂર્વ નાયબ મુખ્યમંત્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/nitin_patel_iuans-1024x768.jpg)
મહેસાણા, ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટની રચના થઈ ગઈ છે. તો બીજી તરફ હવે પૂર્વ મંત્રીઓ પણ સક્રિય થઇ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલે કાર્યકર્તાઓ સાથે મહેસાણામાં મુલાકાત કરી હતી અને તેમને પોતાના વિરોધી પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું પણ કહ્યું હતું કે, રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ઘણા લોકોને ખુશી થતી હશે કે હાશ નીતિનભાઈ ગયા, વિજય રૂપાણી ગયા પરંતુ મારે એવું કહેવું છે કે હું એકલો નથી ગયો આખું મંત્રીમંડળ ગયું છે. જ્યાં રામાયણ હોય ત્યાં મંથરા અને વિભીષણ હોય છે. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ૦.૧ ટકા લોકો નકામા હોય છે મારે તેની સામે જાેવાનું નથી. મારે બાકીના ૯૯.૯૯ ટકા કાર્યકર્તાઓના હિતનું જવાનું છે.
એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોઇ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. ત્યારે આ બાબતે નીતિન પટેલે સ્પષ્ટપણે કહ્યું હતું કે, હું ગુજરાત છોડીને ક્યાંય જવાનો નથી. ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણાથી જ ચૂંટણી લડીશ.
જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓ ઢોલ-નગારાં અને ફટાકડા વગાડી તેમનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમમાં તેમણે નારાજગી બાબતે કહ્યું હતું કે હું, રાજકારણમાં છું ક્યાંય ગોઠણ કરતો નથી. મેં બધું ભગવાનને સોંપી દીધું છે. સાથે જ તેમણે મહેસાણાના કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે, જે લોકો ભાજપમાં આવ્યા છે તે સત્તાનો લાભ લેવા માટે આવ્યા છે.
તો બીજી તરફ નવી કેબિનેટ બાબતે તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના નવા ર્નિણયના કારણે જૂના મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકતું નથી.
આ ર્નિણયનો કેટલો ફાયદો થશે તે ભવિષ્યમાં સામે આવશે. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, નવા મંત્રીઓ પાસે સવા વર્ષ જેટલો સમય બચ્યો છે અને તેમની સામે અનેક પડકારો છે. નવા મંત્રીઓએ ટૂંક સમયમાં ઘણા કામ કરવાના છે.
નીતિન પટેલે તેમના એક ઈન્ટરવ્યુ દરમિયાન એવું પણ જણાવ્યું હતું કે, કડી અને મહેસાણા મારા જૂના અને નવા વિધાનસભાના વિસ્તાર છે. હું અત્યારે પણ મહેસાણાનો ધારાસભ્ય છું. હું ૨૫ વર્ષથી ધારાસભ્ય છું અને ૧૮ વર્ષ કરતા વધુ સમયથી મંત્રી છું. મેં ભાજપની અંદર અનેક પ્રકારની જવાબદારીને સંભાળી છે. ગુજરાતમાં દરેક જ્ઞાતિ અને સમાજના પ્રશ્નો, સમસ્યાના નિરાકરણ માટે અમારી સરકારે કરેલી કામગીરીમાં અમે પ્રજા સુધી પહોંચવાનું કામ કરી રહ્યા છીએ. અમે મંત્રી નથી એ વાત સાચી છે પણ પક્ષના કાર્યકર્તા તરીકે જે કામ સોંપવામાં આવશે તે અમે કરીશું.HS