રામોલમાંથી બે શખ્શો ચાર રેમડેસિવિર ઇન્જેકશન સાથે ઝડપાયા
અમદાવાદ, કોરોનાની મહામારી વકરતાં જ દવાઓનાં કાળાબજાર કરતાં મેડીકલ માફીયાઓ પણ સ્ક્રીય થઈ ગયા છે. જેને પગલે પોલીસ સક્રીય થતાં ટૂંકાગાળામાં જ આવાં કેટલાંય માફીયાઓને ઝડપી લેવામાં આવ્યાં છે. રામોલ પોલીસે પણ આવી જ કાર્યવાહી કરીને રેમ્ડેસિવિરનાં ૪ ઈન્જેકશન જપ્ત કરીને ૪ શખ્શો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે રામોલ પોલિસ સ્ટેશનની એક ટીમને વસ્ત્રાલ, માધવ સ્કૂલ આગળ કેટલાંક શખ્શો બજારકિંમત કરતાં ઊંચા ભાવે રેમ્ડેસિવિરનાં ઇન્જેકશન વેચવા ઊભાં છે. તેની માહીતી મળતાં જ તે માધવ સ્કૂલ આગળ પહોચ્યા હતા અને શશાંક જયસ્વાલ (ધન લક્ષ્મી સોસાયટી, ઓઢવ) અને નીલ જયસ્વાલ (હરીગંગા સોસાયટી, ઓઢવ)ને એક્ટિવા સાથે ઝડપી લીધા હતા.
તપાસ કરતાં તેમની પાસેથી ૪ ેરેમડેસિવિર ઇન્જેકશન મળી આવ્યા હતા. બંનેની પૂછપરછમાં તે ચાર ભૂજા મેડીસીન નોકરી કરતાં હોવાનું અને તેમનાં માલીક વિકાસ અજમેરા એ પ્રવિણ મહાવરનો સંપર્ક કરાવી તેની પાસેથી રેમડેસિવિર ઇન્જેકશન બદલે વેચવા માટે કહ્યું હોવાનું કબુલ્યું હતું.
આ ઘટના બાદ પોલિસે ફરાર વિકાસ અને પ્રવિણની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત આઠસો રૂપિયાની કિંમતનાં રેમડેસિવિર કાળાબજારીમાં ૨૫ થી ૩૦ હજાર જેવા ભાવ લઈ મેડીકલ માફીયાઓ ધુમ નફો કરી રહ્યાં છે.