રામોલમાં એક જ રાતમાં બે એસ્ટેટના છ શેડમાં ચોરી
અમદાવાદ: એક તરફ સમગ્ર શહેરની પોલીસ અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાનાં બંદોબસ્તમાં ગોઠવાઈ ગઇ છે. ત્યારે ચોરો તથા લુંટારાઓને બખ્ખાં થઈ ગયાં છે. અમદાવાદ શહેરમાં થતી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં રામોલમાં આવેલાં વન્ડર પોઈન્ટ નજીક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છ જેટલા રોડનાં પતરાં તોડી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી છે. સવારે ગોડાઉન પર આવેલાં એક વેપારીને જાણ થતાં બીજા રોડની પણ તપાસ કરવામાં આવતાં એક બાદ એક છ શેડનાં પતરાં તુટ્યાં હોવાની જાણ થતાં અન્ય વેપારીઓ પણ ગભરાઈ ગયા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જ્યારે પોલીસ પણ ધંધે લાગી ગઈ હતી. ગુરૂવારે રાત્રે રામોલ વન્ડર પોઈન્ટ નજીક આવેલાં શ્રીરામ એસ્ટેટમાં વેપારીઓ પોતાનાં ગોડાઉનોને તાળાં મારી ઘરે ગયાં હતા. બીજાં દિવસે સવારે મારુતિ એન્જીનિયરીંગ વર્કસનાં માલિક રાજેન્દ્રભાઈ પટેલ (રામોલ) ગોડાઉને આવતાં અંદરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો.
જેથી અંદર તપાસ કરતાં છતનાં પતરાં તૂટેલાં અને રોકડ રૂપિયાની ચોરી થયેલી જણાઈ હતી. રાજેન્દ્રભાઈએ બુમાબુમ કરતાં એકત્ર થયેલાં વેપારીઓએ તપાસ કરતાં ત્યાં જ આવેલાં અન્ય ચાર શેડ ઉપરાંત મણીલાલ મુખીનાં એસ્ટેટમાં પણ આવેલાં કારખાનાઓમાં પતરાં તોડી ચોરી થઈ હોવાની જાણકારી મળી હતી. એક જ રાતમાં છ શેડનાં પતરાં તુટતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો. અને તમામ વેપારીઓ રામોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસે વેપારીઓની ફરીયાદ લીધી હતી.
બાદમાં પોતાની તપાસ તેજ કરતાં ગણતરીનાં કલાકોમાં વિશાલ ઊર્ફે વિક્કી શિવશંકર શરદભાઈ ગુપ્તા (રહે.ભોલેભંડારી નગર, અમરાઈવાડી) નામનાં શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી મોબાઈલ ફોન ઉપરાંત રોકડ રકમ સહીતનો મુદ્દામાલ કબજે કરી વેપારીઓને પરત સોંપ્યો હતો.