રામોલમાં કારખાનાનો માલિક પિસ્તોલ સાથે પકડાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં અવારનવાર ક્રાઈમબ્રાંચ, એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સાથે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવે છે જાેકે રામોલ પોલીસે ગઈકાલે બાતમીને આધારે ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખતા એક કારખાનાના માલિકની અટક કરતાં ચકચાર મચી છે.
રામોલ પોલીસની ટીમને મણીલાલ મુખી એસ્ટેટમાં આવેલા કારખાનેદાર દેવેન્દ્ર એન્જીનીયરીંગના માલિક પાસે વગર લાયસન્સની પિસ્તોલ હોવાની બાતમી મળી હતી
આ માહીતીને આધારે પોલીસે બપોરે બે વાગ્યાના સુમોર ગાયત્રી મંદીરની બાજુમાં આવેલા મણીલાલ મુખી એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો જયાં દેવેન્દ્ર એન્જીનિયરીંગના માલિક મળી આવ્યા હતા તેમની અટક કરીને પોલીસે ફેકટરીમાં તપાસ કરતાં સ્ટોર રૂમમાં લોખંડના ડ્રોવરમાંથી એક પિસ્તોલ મળી આવી હતી
જેથી પોલીસે પચાસ હજારની કિંમતની પિસ્તોલ કબજે કરીને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો ગુનો દાખલ કરીને દેવેન્દ્રભાઈએ આ પિસ્તોલ ક્યાંથી મેળવી તેના દ્વારા કોઈ ગુનો આચરવામાં આવ્યો છે કે નહી એ દિશામાં તપાસ હાથ ધરી છે.