રામોલમાં છરીની અણીએ રોકડ અને રીક્ષાની લૂંટ કરી ચાર લૂંટારૂ ફરાર
ઈસ્કોન, સરખેજ, એસ.પી.રીંગ રોડ, એલીસબ્રિજ બાદ છરીની અણીએ વાહન લૂંટની વધુ એક ઘટના
(પ્રતિનિધિ)અમદાવાદ: શહેરમાં હાલમાં જ વાહનો લુંટતી ગેંગ સક્રિય થઈ છે. ઈસ્કોન, સરખેજ, એસ.પી.રીંગ રોડ તથા એલિસબ્રિજમાં ચાકુની અણીએ રોકડ તથા વાહનોની લુંટની ઘટના બાદ આવો જ બનાવ રામોલમાં રીક્ષાચાલક સાથે બન્યો છે. મુસાફરનાં સ્વાંગમાં બેઠેલાં શખ્સોએ અંધારી અને અવાવરુ જગ્યામાં લઈ જઈ રીક્ષાચાલકને ગળે છરી રાખી રોકડ તથા રીક્ષાની લુંટ ચલાવતાં ચકચાર મચી છે.
લુંટનો ભોગ બનનાર રણજીતભાઈ પટણી (રહે.મેમ્કો) રીક્ષા ફેરવી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે રાત્રે તે ઓઢવ પામ હોટેલ નજીક મુસાફરની રાહ જાેતાં હતા ત્યારે ચારેક શખ્સો તેમની પાસે આવ્યા હતાં.
જેમને અસલાલી જવું હતું. રણજીતભાઈ ચારેયને બેસાડી રામોલ રીંગ રોડ જવા ઊપડ્યા હતાં. રસ્તામાં અદાણી સર્કલથી આગળ દ્વારકેશ હોટેલ નજીક તેમણે રીક્ષા ઊભી રખાવી હતી. અને રણજીતભાઈ કંઈ સમજે એ પહેલાં જ ત્રણ ઈસમોએ છરીઓ કાઢી તેમનાં ગળે રાખી દેતાં તે ડરી ગયા હતા.
તેમને નીચે ઊતારીને ચારેય શખ્સો તેમનો મોબાઈલ, રોકડા રૂપિયા ૮૦૦ લઈ લીધા હતા અને તેમને ધક્કો મારીને રીક્ષા બરોડા એક્સપ્રેસ હાઈવે તરફ ભગાવી મુકી હતી. લિફ્ટ લઈ ઘરે પહોંચેલાં રણજીતભાઈની વાત સાંભળી પરીવાર ચોંક્યો હતો. આ અંગે તેમણે ફરીયાદ કરતાં રામોલ પોલીસે તાત્કાલિક આ ઘટનાની તપાસ હાથ ધરી છે.