રામોલમાં BRTS કર્મચારીની હત્યાનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, રામોલ વિસ્તારમાં બીઆરટીએસના રૂટમાં કાર ચલાવવા બાબતે ઝઘડો થતાં બીઆરટીએસ બસના ડ્રાઈવરને માર મારી ગંભીર ઈજાઓ પહોચાડતા તેમનુ મૃત્યુ થયું હતું આ ફરાર આરોપીને ક્રાઈમબ્રાંચની ટીમે અઠવાડીયા બાદ ઝડપી લીધો છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં આ ઘટના બાદ હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી જયરાજસિંહ ઉર્ફે જયેશ ઉર્ફે પીન્ટુ વિક્રમસિંહ ચૌહાણ પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો જેથી પોલીસની ટીમ તેને શોધવામાં લાગી હતી.
આ દરમિયાન ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.વાય. બલોચની ટીમને બાતમી મળતા રામોલ વેરા નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને જયેશને ઝડપી લઈને રામોલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન એક છરી સહીત કુલ ર૩,ર૦૦ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પુછપરછમાં જયેશ પોતાના સાગરીત આશીષ તોમર સાથે ઘટનાની રાત્રે સીટીએમથી જશોદાનગર જવા નીકળ્યો હતો પરંતુ બીઆરટીએસ ફાટક બંધ હોવાથી ત્યાં હાજર કર્મચારી સાથે ઝઘડો કરી ધક્કો માર્યો હતો ઉપરાંત કાર બીઆરટીએસમાં ન જવા દેતા અન્ય સાગરીતો શુભમ મિશ્રા મહેશ યાદવ તથા યોગેશ રાજપુતને પણ ત્યાં બોલાવી લીધા હતા જેથી ઝઘડો વધતો જાેઈને ત્યાં હાર બીઆરટીએસના અન્ય બે કર્મચારીઓ પણ આવતા તેમની સાથે પણ ઝઘડો કરી છરી વડે હુમલો કરી તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી બાદમાં તમામ ફરાર થઈ ગયા હતા જયારે ગંભીર રીતેઘાયલ બીઆરટીએસના કર્મચારીનું મૃત્યુ થયું હતું.
તપાસમાં જયેશ સામે અમદાવાદમાં મારામારી, હત્યાનો પ્રયાસ તથા દારૂના ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યુ છે જયારે મેઘરજ, મહીસાગર, હિંમતનગર તથા અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ તે ઈંગ્લીશ દારૂના કેસમાં ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.