ગોમતીપુરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે કુખ્યાત બુટલેગરના અડ્ડા પરથી દારૂ ઝડપી પાડ્યો
સ્થાનિકોએ બુટલેગરોને ભગાડી દેવા માટે પોલીસ આવી છે તેવી બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી
અમદાવાદ, શહેરના ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરીંગ સેલે કરતાં સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી ગઈ છે. ગોમતીપુરના કુખ્યાત બુટલેગર મોહમંદ શરીફ ઉર્ફે ગુડ્ડુ મણિયારના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરતાં વિદેશી દારૂ અને બિયરનાં ટીનનો જથ્થો મળી આવ્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા ત્યારે પોલીસ આવી છે તેવી બૂમો પાડીને સ્થાનિકોએ ગુડ્ડુ સહિતના બુટલેગરોને ભગાડી દીધા હતા.
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુર ટોલનાકા પાસે રહેતા મહમંદ શરીફ ઉર્ફે ગુડ્ડુ મણિયાર, રઈસ મણિયારે તેના ઘર પાસે દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને અલ-અમન ફ્લેટના પાર્કિંગમાં દારૂનંુ વેચાણ કરી રહ્યા છે.
મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે એસઆરપીના જવાનોને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. રાજપુર ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે સ્થાનિકો પોલીસ આવી છે તેવી બૂમો પાડવા લાગ્યા હતા. પોલીસ તેમજ એસઆરપીના જવાનોએ તરત જ અડ્ડા પર દોટ મૂકી હતી, જાેકે સ્થાનિકોની બૂમો સાંભળીને બુટલેગરો નાસી છૂટ્યા હતા.
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે ગુડ્ડુનો સાગરીત ઇમરાન ઉર્ફે ઇમુ મણિયાર દારૂનું વેચાણ કરતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલને ઘટનાસ્થળ પરથી બે થેલા મળી આવ્યા હતા, જેમાં દારૂની બોટલો તેમજ બિયરનાં ટીન હતાં.
આ સિવાય એક લોડિંગ રિક્ષા પણ ઊભી હતી, જાેકે તેમાં લોક માર્યું હોવાથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ગોમતીપુર પોલીસ ઘટનાસ્થળે આવી ગઇ હતી અને રિક્ષાનું લોક તોડી નાંખ્યું હતં, જેમાં દારૂની પેટીઓ હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દારૂની ૩૭૪ બોટલ અને બિયરનો જથ્થો જપ્ત કર્યાે હતો, જ્યારે લોડિંગ રિક્ષા પણ જપ્ત કરીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મહમંદ શરીફ ઉર્ફે ગુડ્ડુ મણિયાર, રઈસ મણિયાર તેમજ ઈમરાન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યાે હતો.