રામોલ : ઓઢવની મહીલા પોલીસ કોન્સ્ટેબલે પતિ સહીત નવ સામે ઘરેલું હિંસાની ફરીયાદ કરી
પતિ ચારિત્ર્ય પર શંકા કરતો ઉપરાંત અવારનવાર રૂપિયા માંગતો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહીલા કોન્સ્ટેબલે તેના પતિ સહીત સાસરીયાઓ વિરુધ્ધ ઘરેલું હિંસાની ફરીયાદ નોંધાવી છે. ફરજના ભાગરૂપે કોન્સ્ટેબલ ફોન પર વાત કરતા પતિ શંકા કરતો હતો ઉપરાંત લાખો રૂપિયા પણ પડાવી લીધા હતા.
આ અંગેની વિગત એવી છે કે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં માયાબેન નિરવભાઈ પટેલ વસ્ત્રાલ ખાતે રહે છે તેમના લગ્ન વર્ષ ર૦૧પમાં થયા હતા પતિ નિરવભાઈ બેંકમાં નોકરી કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી નિરવભાઈ માયાબેન ફોન પર વાત કરતા ત્યારે તેમના ચારીત્ર્ય પર શંકા કરતા હતા જયારે તેમના પરીવારજનો પણ ઘરે આવે ત્યારે મેણાં મારતા હતા ઉપરાંત નિરવભાઈને ધંધો કરવા માટે માયાબેનના પિતાએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. ઉપરાંત નિરવભાઈને પોલીસ કેસ થતાં ત્યાં પણ પંદર લાખ રૂપિયા આપ્યા હતા
એ સિવાય પણ માયાબેને નિરવભાઈને ફોન તથા ૧૧ લાખ રૂપિયા આપવા છતાં વધુ રૂપિયાની માંગણી કરી હતી અને માયાબેને ના પાડતાં તેમની સાથે મારઝુડ કરી હતી. જેના પગલે છેવટે માયાબેને રામોલ પોલીસ સ્ટેશનમાં નિરવભાઈ ઉપરાંત અન્ય સાસરીયાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.