રામોલ : નકલી પોલીસ બની આંતરરાજય લુંટ ચલાવતી સાત સભ્યોની ટોળકી ઝડપાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં તથા ગુજરાત બહાર કસ્ટમનું સોનુ સસ્તામાં વેચવાની લાલચ આપીને સોદા દરમિયાન પોલીસની નકલી રેઈડ કરી નાગરીકોને લુંટી લેતી ગેંગને ઝડપી લેવામાં રામોલ પોલીસને સફળતા મળી છે. બાતમીને આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહીલા સહીતના સાત શખ્સો ઝડપાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં ટોળકી પકડાઈ એ સમયે પણ કોઈ યોજના કરવા બનાવવા જઈ રહયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે રામોલ પીએસઆઈ ભાટી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન સસ્તુ સોનું વેચવાના બહાને લુંટ ચલાવતી ટોળકી અંગેની બાતમી મળતા ન્યુ મણીનગર ત્રણ રસ્તા ખાતે મધરાત્રે વોચ ગોઠવી હતી અને એક કારને રોકી તપાસ કરતા તેમાંથી (૧) કિરીટ બાબુભાઈ અમીન (જીવન આર્ય ફલેટ, વસ્ત્રાલ, મુળ મોડાસા અરવલ્લી) (ર) ભાવના કિરીટ અમીન (૩) જાવેદ હુસેન ઉર્ફે કવાલ ચૌહાણ (કપડવંજ) (૪) જગમોહન ઉર્ફે છોટે મોરારી રામપ્રસાદ શાસ્ત્રી (રખીયાલ) (પ) વસીમઅલી સૈયદ (અંતીસર, કપડવંજ) (૬) અંકુર ભુપેન્દ્ર પટેલ (પુષ્પક સીટી, હાથીજણ) અને (૭) પંકજ બળવંતસિહ રાઠોડ (પરબડી વાળુ ફળીયુ, વિંઝોલ) ઝડપાઈ ગયા હતા.
પોલીસે કાર રોકી એ વખતે કિરીટે પોતાનું અમરાઈવાડી પીએસઆઈ તરીકેનું નકલી ઓળખકાર્ડ બતાવ્યું હતું એ જ રીતે તેની પત્ની ભાવનાના નામનું પણ બનાવટી ઓળખપત્ર મળી આવ્યું હતું જાેકે પોલીસને અંદાજાે આવી જતા તમામને પકડીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા તેમની જડતી કરાતા ૬૪ હજારની કિંમતના બાર મોબાઈલ ફોન, બે એરગન, બનાવટી ઓળખકાર્ડ, નકલી ચલણી નોટો તથા અન્ય વસ્તુઓ મળી આવી હતી.
પુછપરછમાં અગાઉ માલતદાર કચેરીમાં નોકરી કરતો કિરીટ કોમ્પીટીટીવ પરીક્ષા આપવા માટે નોકરી છોડી દીધી હતી બાદમાં પરીક્ષામાં કોઈ સારું પરીણામ ન મળતા અવળે ધંધે વધ્યો હતો જેમાં તેની પત્ની ભાવનાએ પણ તેને પુરો સાથ આપતા બંનેએ ભેગા મળીને સમગ્ર રાજયમાં પોતાની ગેંગ અને એજન્ટો ઉભા કર્યા હતા જે કસ્ટમનું સોનું સસ્તામાં આપવાનું કહીને નાગરીકો સાથે ડિલ નકકી કરતા હતા અને ડીલના સમયે જ કિરીટ તથા ભાવના નકલી પોલીસ બનીને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને લુંટ ચલાવતા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી કિરીટ અને તેની ગેંગે રાજય તથા રાજય બહારથી કુલ રૂપિયા એક કરોડ ત્રીસ લાખની લુંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે સોનું ઉપરાંત દસ ગણા રૂપિયા કરવા પરચુરણના બદલે મોટી નોટો આપવી વગેરે જેવી યોજનાઓ બનાવી દલાલો મારફતે લોકોને નિશાન બનાવતા હતા.
તપાસ દરમિયાન ચોંકાવનારી માહીતી બહાર આવી છે કે પોલીસે તેમની અટકાયત કરી એ વખતે પણ આખી ગેંગ કોઈ યોજના બનાવવા બેચરી ગામે રહેતા નટુ સોલંકીને ત્યાં જતા હતા જયાં જગત દરબાર (પાલનપુર) તથા શૈલેષ ઠાકોર અને પ્રદીપ પટેલ પણ આવવાના હતા પોલીસે સાત વિરૂધ્ધ ગુનો નોંધી ગેંગના અન્ય સભ્યોને પણ ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.