રામોલ : પત્નીનાં પ્રેમીનું અપહરણ કરી ઢોર માર મારતાં ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની અન્ય વ્યકિત સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે પોતાના ત્રણ મિત્રો સાથે પત્નીના પ્રેમીનું અપહરણ કરીને ચાલુ કારમાં ગડદાપાટુનો માર માર્યો હતો આ ઘટનાની ફરીયાદ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે મનોજ તેની પત્ની વિણા સાથે ખોખરા ખાતે રહે છે. વીણાને વસ્ત્રાલ ખાતે રહેતા રોહન સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને સમય મળે બંને મળતા હતા થોડા દિવસ અગાઉ રોહને વીણાને ફોન કરતા મનોજે ઉપાડતા રોહને ફોન કાપી નાખ્યો હતો.
દરમિયાન બુધવારે સવારે હોસ્પીટલમાં કામ કરતી પત્નીને કામના સ્થળે મુકીને રોહન ત્યાંથી ઘરે આવતો હતો ત્યારે વન્ડર પોઈન્ટ આર જે કે કોમ્પલેક્ષ આગળ મનોજ તેના ત્રણ મિત્રો સાથે આવ્યો હતો
અને રોહનનું અપહરણ કરી ચાલુ કારે તેને ગડદાપાટુનો માર તથા લાકડાના દંડાથી માર મારી તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા આ દરમિયાન કાર સીટીએમ રીંગરોડ થઈ દાસ્તાન સર્કલ પહોચી હતી
ત્યાં અનમોલ કોમ્પલેક્ષ ખાતે રોહનને ઉતારી મનોજ તેના મિત્રો સાથે કાર હંકારી ગયો હતો. આ અંગે રોહને રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. (તમામ નામ કાલ્પનિક છે.)