રામોલ વોર્ડ ખાળકુવા મુક્ત કરવા ૧૩ કરોડના ખર્ચથી ડ્રેનેજ નેટવર્ક નાંખવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં પાંચ હજાર કરતા વધુ ખાળકુવા છે. મ્યુનિ. શાસકો એ બે મહીના અગાઉ શહેરને ખાળકુવા મુક્ત કરવા માટે વહીવટીતંત્રને સુચના આપી હતી. મ્યુનિ. ઈજનેર વિભાગે આ દિશામાં નક્કર અને ઝડપી કામગીરી શરૂ કરી છે તેમજ “ખાળકુવા મુક્ત” અમદાવાદના પ્રથમ તબક્કામાં રામોલ-હાથીજણમાં રૂા.૧ર કરોડના ખર્ચથી ડ્રેનેજ લાઈનો નાંખવા માટે તૈયારી શરૂ કરી છે.
શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં પ૦૦ જેટલા ખાળકુવા છે. આ વિસ્તારોમાં ખાળકુવા સફાઈ સહીતની સમસ્યાથી નાગરીકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક નાગરીકોની ફરીયાદો અને વધતી જતી સમસ્યાના ઉકેલ માટે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અંગત રસ લઈ રામોલ વોર્ડને ખાળકુવા મુક્ત કરવા નિર્ણય કર્યો હતો
જેના ભાગરૂપે ઈજનેર વિભાગે રામોલ વોર્ડમાં ડ્રેનેજ લાઈનો માટે ટેન્ડર જાહેર કર્યા હતા જેને મ્યુનિ. વોટર સપ્લાય કમીટી દ્વારા મંજુરી આપવામાં આવી છે. કમીટી ચેરમેન જતીનભાઈ પટેલ અને ડેપ્યુટી ચેરમેન ભરતભાઈ પટેલના જણાવ્યા મુજબ રામોલ હાથીજણ વોર્ડમાં હાથીજણ સર્કલથી વિંઝોલ રેલ્વે ઓવરબ્રીજ તરફ જતા ટી.પી.સ્કીમ ૭ર,૯૦ અને ૯૧ ના વિસ્તારોમાં ડ્રેનેજ ના નવા નેટવર્ક નાંખવામાં આવશે.
આ વિસ્તારમાં અંદાજે ૧૦૭૦ કિલોમીટર લંબાઈની ડ્રેનેજ લાઈનો નાંખવામાં આવશે જેના કારણે ૧૬૧.પ૭ હેકટર વિસ્તારમાં અંદાજે ૩૩ હજાર નાગરીકોને ફાયદો થશે. અહીં ડ્રેનેજ લાઈન નાંખવા માટે રૂા.પ.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
રામોલ વોર્ડમાં જ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આવેલ ટી.પી. સ્કીમ ૯૪ અને ૯પ ના ગેરતપુર વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાંખવામાં આવશે. અહીં અંદાજે ૧૬.૮૦ કીલોમીટર લંબાઈના નવા ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરવામાં આવશે જેનો લાભ અંદાજે ૬૮ હજાર નાગરીકોને મળશે રામોલ વોર્ડના ગેરતપુર વિસ્તારમાં ડ્રેનેજ લાઈનો માટે રૂા.૭.૬૦ કરોડનો ખર્ચ થશે. આમ વોર્ડમાં રૂા.૧ર.૭૦ કરોડના ખર્ચથી નવા નેટવર્ક તૈયાર કરવામાં આવશે જેનો લાભ એક લાખ નાગરીકોને મળશે.
રામોલ વોર્ડના હાથીજણ, ગેરતપુર, ગોકુલધામ, રાધેશ્યામનગર સહીતના વિસ્તારોમાં ખાળકુવાની સમસ્યા છે. સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અંગત રસ લઈ વોર્ડને ખાળકુવા મુક્ત કરવાની દિશામાં શરૂ કરાવ્યુ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.