રામ જન્મભૂમિનો નકશો ફાડનાર વકીલ રાજીવ ધવન સામે પોલીસ ફરિયાદ
નવી દિલ્હી, રામ જન્મભૂમિ વિવાદની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રામ જન્મભૂમિનો નકશો ફાડનારા મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે આખરે પોલીસ ફરિયાદ થઈ છે. દિલ્હીના ભાજપના પૂર્વાંચલ મોરચાના સયોજક અભિષેક દુબેએ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ધવન સામે કોર્ટમાં અરાજકતા ફેલાવવાનો અને હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, તેમણે હિન્દુ મહાસભાને નીચુ દેખાડવાની પણ કોશીશ કરી છે.
આ પહેલા વકીલ રાજીવ ધવન સામે હિન્દુ મહાસભાએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી છે. રાજીવ ધવન દ્વારા નકશો ફાડવાના મામલાની હિન્દુ સંગઠનો જ નહી પણ દેશમાં પણ વ્યાપક ટીકા થઈ રહી છે. આ મામલામાં હિન્દુ પક્ષકાર ડો.રામ વિલાસ વેદાંતીએ પોલીસ ફરિયાદ કરવાની પણ વાત કરેલી છે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એક પુસ્તક રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની સામે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આપત્તિ વય્ક્ત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, જો આ પુસ્તક રજૂ કરાયુ તો તેને લગતા સવાલોના જવાબ હું નહી આપું.
આ મામલામાં બંને પક્ષો વચ્ચે તડાફડી વધી હતી અને તે વખતે હિન્દુ મહાસભાના વકીલે પુસ્તક સાથે જ જોડાયેલો રામ જન્મભૂમિનો નકશો રજુ કર્યો હતો. જે રાજીવ ધવને ખેંચીને ફાડી નાંખ્યો હતો અને પાંચ જજોની બેન્ચ સામે જ તેના પાંચ ટુકડા કરી નાંખ્યા હતા.