રામ જન્મભૂમિ પૂજનને લઇ ખુબજ ખુશ છે ટીવીના રામ
મુંબઇ, અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિ પૂજન શરૂ થઇ ગયુ છે. આજે સવારે જ ૮ વાગ્યે જ અયોધ્યામાં રામ અર્ચનાની સાથે હનુમાન ગઢીમાં પૂજા શરૂ થઇ. ભગવાન રામની નગરીમાં આજે બુધવારે ૫ ઓગસ્ટનાં રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. એવામાં એક તરફ આખા દેશમાં ખુશીનો માહોલ છે તે વચ્ચે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું કિરદાર અદા કરનારા અરુણ ગોવિલે પણ સોશિયલ મીડિયામાં રામ મંદિરનાં ભૂમિ પૂજનને લઇને ખુશી જાહેર કરી છે.
લોકડાઉનની વચ્ચે રામાયણનાં પુનઃ પ્રસારણ બાદ અરુણ ગોવિલ સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કર્યુ છે. જે બાદ તેઓ ટિ્વટર પર ઘણાં એક્ટિવ થઇ ગયા છે. અરુણ ગોવિલ અલગ અલગ મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય મુકતા હોય છે.
હવે તેમણે રામ મંદિરનાં ભૂમિ પૂજનને લઇને ટિ્વટ કરી છે. અને પોતાની ખુશી વ્યક્ત કરી છે, અયોધ્યામાં ભૂમિ પૂજનની સાથે જ એક દિવ્ય યુગનો શુભારંભ થઇ જશે. જય શ્રીરામ’ ટીવીનાં રામનું આ રીતે રામ મંદિરનાં ભૂમિ પૂજન પર ખુશી જાહેર કરવી તેમનાં પ્રશંસકોને પણ પંસદ આવ્યું છે. અરુણ ગોવિલની આ ટિ્વટ બાદ તેનાં પર પ્રતિક્રિયા પણ ફટ ફટ આવવા લાગી હતી.
અરૂણ ગોવિલ તેમની બીજી ટિ્વટમાં લખે છે કે, ‘અયોધ્યામાં રામ મંદિર માટે વર્ષો સુધી સતત સંઘર્ષ કરનારા વરિષ્ઠજન અને તે લડાઇને ભૂમિપૂજન સુધી લઇ આવનારા તમામ રામભક્તોને મારા કોટિ કોટિ નમન. આપ સૌનાં મહાન પ્રયાસથી અમને આ દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું છે. જય શ્રીરામ.’ ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસ બાદ સંપૂર્ણ દેશમાં લોકડાઉન થઇ ગયુ હતું જે બાદ એન્ટરટેનમેન્ટ જગતની સાથે સાથે તમામ ઉદ્યોગો બંધ થઇ ગયા હતાં. એવામાં લોકોનાં મનોરંજનને ધ્યાનમાં રાખીને ડીડી ભારતી પર ૮૦નાં દાયકાનાં સુપરહિટ શો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રામાયણ પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક ધારાવાહિકે ટીઆરપીનાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતાં. આ દરમિયાન ધારાવાહિકનાં તમામ એક્ટર્સ અને તેમનાંથી જોડાયેલાં કિસ્સાઓ ચર્ચામાં રહ્યાં હતાં.